ચૂંટણી@ગુજરાત: વિસાવદરમાં AAPના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની 17,581 મતોથી થઈ જીત

 
ગોપાલ ઇટાલીયા
વિસાવદર બેઠક માટે અંદાજિત 56.89 % મતદાન નોંધાયું હતુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કડી- વિસાવદરમાં 19 જૂનના રોજ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપમાંથી કિરીટ પટેલ, આપમાંથી ગોપાલ ઈટાલિયા અને કોંગ્રેસમાંથી નિતીન રાણપરિયા ઉમેદવાર હતા, આજે પરિણામ જાહેર થઈ ગયા છે અને આપના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની જીત થઈ છે. વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની 17,581 મતથી ભવ્ય જીત થઈ છે, AAP: 75906, ભાજપ : 58325, કોંગ્રેસ: 5491 મત મળ્યા છે.

ગોપાલ ઇટાલિયાનો જન્મ 21 જુલાઈ 1989ના રોજ થયો હતો. તેઓ એક ભારતીય રાજકારણી અને સામાજિક કાર્યકર છે. તેઓ ભૂતપૂર્વ પોલીસ અધિકારી અને પાટીદાર અનામત આંદોલનના નેતા હતા. ડિસેમ્બર 2020થી જાન્યુઆરી 2023 સુધી, તેઓ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કન્વીનર રાજ્ય પ્રમુખ હતા.વર્ષ 2018 થી 2020 દરમિયાન ઇટાલિયા સામાજિક સંગઠન પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયેલા હતા.

2018માં, તેમણે બંધારણ કાયદા વિશે જાગૃતિ લાવવા માટે કાયદા કથા નામની જાહેર સભાઓનું આયોજન કર્યું અને જૂન 2020માં, ઇટાલિયા આમ આદમી પાર્ટી, ગુજરાતના રાજ્ય ઉપાધ્યક્ષ તરીકે AAPમાં જોડાયા હતા, 12 ડિસેમ્બર 2020ના રોજ તેમને પાર્ટીના રાજ્ય પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ઇટાલિયાના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન, AAP ગુજરાતે ફેબ્રુઆરી 2021 માં ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રવેશ કર્યો. AAP એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 27 અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક બેઠક જીતી. 2022માં તેમને AAP ગુજરાતના પ્રમુખ તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા, જેથી પાર્ટીને 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર કરી શકાય.