ચૂંટણી@ગુજરાત: AAPને મનસુખ વસાવાની ધમકી, 'અમને છંછેડશો તો છોડીશુ નહી'

 
મનસુખ વસાવા

સભાને સંબોધન કરતાં આમ આદમી પાર્ટીને આડેહાથ લઈને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને લઈને ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યા છે. ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ આ વખતે ગુજરાતની લોકસભા બેઠકો પર ઝંપલાવી ચૂકી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી સામે ભાજપ પ્રચંડ ચૂંટણી પ્રચાર કરી રહ્યું છે. ત્યારે, ભરૂચ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૂંટણી સભાને સંબોધન કરતાં આમ આદમી પાર્ટીને આડેહાથ લઈને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી.

ભરૂચમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ જાહેરસભાને સંબોધન કરતાં આમઆદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. મનસુખ વસાવાએ નિવેદન કરતાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખબર પડે છે કયા ગામ માંથી કેટલા મત મળ્યા, તમે નહીં આપો તો અમે પણ પાણીમાં બેસી જઈશું. દૂધ લેવા જવાનુંને દોલચી સંતાડવી એવું અમને નથી આવડતું.

વધુમાં તેમને આપ પર આડકતરું નિશાન સાધતાં કહ્યું હતું કે, કોણ ક્યાં તીર મારે છે એમને ખબર છે પણ ધ્યાન રાખજો કે એ તીર તમને ન વાગે. તો વધુમાં, ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના કાર્યકરો પણ થયેલ હુમલાઓ બાબતે મનસુખ વસાવાએ કહ્યું હતું કે નમ્ર વિનંતી છે આવું ના કરો, વિરોધ હોય તો બેસી રહો, ભાજપના કાર્યકરોને કોઈ રોકટોક ના કરે. તો આપ પર સીધો પ્રહાર કરતાં મનસુખ વસાવાએ ધમકી ભર્યા શબ્દોમાં કહ્યું કે અમને કોઈ છંછેડશે તો અમે તેમને છોડવાવાળા નથી. કોઈ પણ આપના કાર્યકરો જો ભાજપ કાર્યકરોને હેરાન કરશો તો રિઝલ્ટ પછી ભાજપના જ દિવસો આવવાના છે.