ચૂંટણી@ગુજરાત: ગાંધીનગર અને ભરૂચ લોકસભા બેઠક પર અસદુદીન ઓવૈસી પોતાના ઉમેદવાર ઉતારશે

 
ઓવૈસી
ભાજપે ફરી ભરૂચ લોકસભા બેઠક પરથી વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ઉમેદવાર બનાવ્યા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હૈદરાબાદના સાંસદ તેમજ ઓલ ઇન્ડીયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના રાષ્ટ્રીય પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉભા રાખશે અને ભાજપ તેમજ કોંગ્રેસને ટક્કર આપશે.એઆઈએમઆઈએમના ગુજરાત પ્રદેશ પ્રમુખ પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીનગર અને ભરૂચ લોકસભા બેઠક પર ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ ઉમેદવાર ઉભા રાખશે.ગુજરાતમાં બે લોકસભા બેઠકો પર તેના ઉમેદવારો ઉભા કરશે.

યુપી-બિહાર, મહારાષ્ટ્રની સાથે હવે પાર્ટી ગુજરાતમાં પણ પોતાની હાજરીનો અનુભવ કરાવશે. પાર્ટીએ મહારાષ્ટ્રમાં છ સીટો પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. પાર્ટીએ કહ્યું છે કે, એઆઈએમઆઈએમ રાજ્યની બે અત્યંત મહત્વની બેઠકો પર પોતાની હાજરી નોંધાવશે. જેમાં ગાંધીનગર અને ભરૂચ લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે. ગાંધીનગર બેઠકનું પ્રતિનિધિત્વ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરે છે. ભરૂચ બેઠક પર પણ ભાજપનો કબજો છે. ગુજરાત એકમના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલાએ જણાવ્યું હતું કે અમારા કેન્દ્રીય નેતૃત્વએ ભરૂચ અને ગાંધીનગર લોકસભા બેઠકો પરથી પક્ષના ઉમેદવારો ઊભા કરવાનો નિર્ણય લીધો છે. ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

ભરૂચ અને ગાંધીનગર બંને વિસ્તારોમાં નોંધપાત્ર પ્રમાણમાં મુસ્લિમ વસ્તી છે. કાબલીવાલાએ કહ્યું કે તેમણે કહ્યું કે ચૂંટણી પરિણામો ગમે તે હોય આ ચૂંટણી એઆઈએમઆઈએમ કાર્યકર્તાઓને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી અને ૨૦૨૬માં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી માટે તૈયાર કરશે.ભાજપે ફરી ભરૂચ લોકસભા બેઠક પરથી વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ઉમેદવાર બનાવ્યા છે, જેનો સામનો આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા સાથે થશે. ગુજરાતની તમામ ૨૬ બેઠકો માટે ૭ મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે.