ચૂંટણી@ગુજરાત: મતગણતરી પહેલા ઉમેદવારોને ખાસ ટ્રેનિંગ અપાશે, કોંગ્રેસની નવી રણનીતિ!

 
કોંગ્રેસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોંગ્રેસ દ્વારા અવાનાર નવાર ભાજપ પર ઈવીએમ અને મતગણતરીને લઈને જાતજાતના આક્ષેપો કરવામાં આવે છે. આ વખતની લોકસભાની ચૂંટણી પહેલાં તો કોંગ્રેસે મતગણતરી વખતે પોતાના સ્પેશિયલ ટીમ મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે. પરિણામના દિવસે અલગ અલગ બેઠકોના ઉમેવારોના ભાવિનો ફેંસલો થવાનો છે. ત્યારે પરિણામના દિવસ માટે ગુજરાત કોંગ્રેસની ટીમે અત્યારથી જ ઉમેદવારોને ખાસ ટ્રેનિંગ આપવાનું નક્કી કર્યું છે. એક બાદ એક તબક્કાની ચૂંટણીઓ પુરી થઈ રહી છે. જેથી લોકસભાની ચૂંટણી હવે તેના અંતિમ તબક્કામાં આવી ગઈ છે.

સાતમાંથી પાંચ તબક્કામાં મતદાન થઈ ચુક્યુ છે. છઠ્ઠા અને સાતમા તબક્કા માટે 25 મે અને 1 જૂને મતદાન થવાનું છે. જ્યારે 4 જૂનના રોજ મતગણતરી થશે અને જેમાં ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. બીજા શબ્દોમાં કહીએ તો એ દિવસે મતદારોના ભાવિનો પણ ફેંસલો થશે. અલબત્ત ગુજરાત સહિત દેશભરના મતદારોએ કોને મત આપ્યો છે તેનું પરિણામ જાહેર થશે.આ વખતે ગુજરાત કોંગ્રેસની ટીમને આશા છે કે, તેઓ ગુજરાતમાં અમુક સીટો હાંસલ કરી શકે એવી સ્થિતિમાં છે. જેથી ગત ટર્મ કરતા આવખતે કોંગ્રેસના ઉમેદવારો અને તેમના કાર્યકરો બન્ને જોશમાં જણાઈ રહ્યાં છે. એટલું જ નહીં એ જ કારણસર તેમણે મતગણતરીના દિવસ માટે અત્યારથી જ ઉમેદવારોને સ્પેશ્યિલ ટ્રેનિંગ આપવાનું નક્કી કર્યું છે.

ગુજરાતમા આ વખતની ચૂંટણીમાં પહેલા એવું અનુમાન લગાવવામા આવતુ હતુ કે, ભાજપ ગુજરાતમાં 26 એ 26 બેઠકો પર 5 લાખની લીડથી જીતી શકે છે. જો કે, રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ વિશે બફાટ કરતા ભાજપ વિરોધી લહેર ગુજરાતમાં જોવા મળી હતી. ક્ષત્રિયોએ આ વખતે ડંકાની ચોટે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું નક્કી કર્યું હતું. બીજી તરફ ભાજપે જે રીતે ઉમેદવારોની પસંદગી કરી તેના કારણે ભાજપમાં આંતરિક અસંતોષ જોવા મળ્યો હતો. આ તકનો લાભ લઈને કોંગ્રેસે રણનીતિ બનાવીને ઉમેદવારોની પસંદગી કરી હતી. તેનો કોંગ્રેસને ફાયદો પણ થયો છે.ભાજપને પણ એવું લાગી રહ્યું છે કે, કેટલીક સીટો તેઓ ગુમાવી રહ્યા છે જેથી હવે 5 લાખની લીડની ચર્ચા પણ થઈ રહી નથી.

કોંગ્રેસને આશા છે કે, આ વખતે 5 થી 6 સીટો પર તેઓ ભાજપને ટક્કર આપી રહ્યા છે. ત્યારે મતદાન તો ખુબ સારી રીતે થઈ ગયું પરંતુ મતગણતરી પણ સારી રીતે થાય અને મતગણતરી વખતે ઈવીએમમાં કોઈ ચેડા ન થાય તેના માટે ગુજરાત કોંગ્રેસે મતગણતરી માટેની નવી રણનીતિ બનાવી છે.દરેક વખતે ચૂંટણીમાં ઈવીએમ મશીનનો મુદ્દો ચર્ચાનો વિષય બનતો હોય છે ઈવીએમમાં ચેડા કરવામા આવ્યા હોવાના આક્ષેપ પણ કરવામા આવતા હોય છે મતદાનના સ્થળેથી લઈને સ્ટ્રોંગરૂમ સુધી નજર રાખવામા આવી રહી છે. જો કે, કોંગ્રેસને શંકા છે કે, મતદાન પૂર્ણ થાય છે ત્યાથી લઈને સ્ટ્રોંગરૂમ પહોંચે તે દરમિયાન ઈવીએમ બદલાયા પણ હોય. આ વખતે કોંગ્રેસ પોતાના ઉમેદવારોને ઈવીએમના સિરિયલ નંબરની ચકાસણી, ઈવીએમમાં કેટલા વોટ પડ્યા છે અને મતગણતરી વખતે કેટલા વોટ નિકળ છે તેની ચકાસણી અને બેલેટ પેપરની ચકાસણી કરવા માટેની ટ્રેનિંગ આપી રહી છે.