ચૂંટણી@ગુજરાત: લોકસભાની 26 બેઠકો માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરાશે, 22મી સુધી પરત ખેંચી શકાશે

 
ઉમેદવારી
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 20મી એપ્રિલના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભાની ચૂંટણીના પગલે ગુજરાતની 26 બેઠકો માટે શુક્રવારથી ઉમેદવારી ફોર્મ ભરાશે. 19મી એપ્રિલ સુધી જાહેર રજાના દિવસ સિવાય સવાર 11.00થી બપોરના 3.00 વાગ્યા સુધી ફોર્મ સ્વિકારાશે. 20મીએ ફોર્મની ચકાસણી થશે તો 22મી સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. 7મી મેના રોજ સવાર 7.00 વાગ્યાથી સાંજના 6.00 વાગ્યા સુધી મતદાન થશે. 4 જૂનના રોજ લોકસભા ચુંટણીનું પરિણામ જાહેર થશે.   

અમદાવાદ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડી.કે. દ્વારા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ઉપલબ્ધિ, ચકાસણી અને જમા કરાવવા સહિતની તારીખો જાહેર કરવામાં આવી છે. તા.12મી એપ્રિલ, શુક્રવારથી ઉમેદવારી પત્ર મેળવીને ભરી શકાશે. ઉમેદવારી ફોર્મ મેળવવા અને જમા કરાવવાનો સમય જાહેર રજા સિવાયના દિવસોમાં સવાર 11.00 થી બપોરના 3.00 વાગ્યા સુધીનો રહેશે. જે માટે નિયમોનુસાર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 20મી એપ્રિલના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે. જ્યારે 22મી એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ બપોરના 3.00 વાગ્યા સુધી પરત ખેંચી શકાશે. આ પછી ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરાશે.

ગરમીના કારણે ચૂંટણીનો સમય સવાર 7.00 વાગ્યાથી સાંજના 6.00 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા અંગે સબંધિત નોડલ અધિકારીઓને સૂચનાઓ આપી દીધી છે. ચૂંટણી માટે ઇવીએમની ફાળવણી પણ કરી દેવાઇ છે.