ચૂંટણી@મહેસાણા: પઢારીયા ગામમાં રતનસિંહ ચાવડા માત્ર 1 મતથી વિજયી, લોકોમાં ભારે ઉત્સાહ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે સવારથી જ રાજ્યભરના મતગણતરી કેન્દ્રોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ હતી. મતગણતરીના સાથે જ ઠેર ઠેર વિજેતાઓના સમર્થકો દ્વારા ઢોલ, તાશા, અબીલ-ગુલાલ અને નોટો ઉડાવી ઉજવણી કરવામાં આવી હતી. જીતની ખુશીમાં ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા. આ વર્ષે રાજ્યની કુલ 8,326 ગ્રામ પંચાયતોમાંથી 4,564માં સામાન્ય ચૂંટણી અને 3,524માં પેટા ચૂંટણી યોજાઈ હતી. સામાન્ય ચૂંટણીમાંથી 751 પંચાયતો સમરસ જાહેર થઈ હતી. બાકી રહેલી 3,541માંથી 272 પંચાયતોમાં કે તો ઉમેદવારી ન ભરાતા કે બિનહરીફ ઉમેદવારો હોવાથી ચૂંટણી યોજાઈ ન હતી.
મહેસાણા જિલ્લાના પઢારીયા ગામની ચૂંટણી ખાસ ધ્યાન ખેંચનાર રહી હતી. અહીં સરપંચ પદ માટે બે ઉમેદવારો વચ્ચે તીખી સ્પર્ધા જોવા મળી. રતનસિંહ ચાવડા માત્ર 1 મતના અંતરે વિજયી જાહેર થયા. આ વિજય પછી રતનસિંહે પોતાના સમર્થકો અને સમગ્ર ગામના લોકોનો આભાર માન્યો. તેમણે ખાસ કરીને રાજપૂત ભાઈઓનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે દરેક સમાજના સહકારથી જ આ સફળતા મળેલી છે. તેમની જીતને લઈને ગામમાં મોટી ઉજવણી થઈ રહી છે અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.