ચૂંટણી@લોકસભા: શિંદેની શિવસેનામાં જોડાયા ગોવિંદા, ઉત્તર પશ્ચિમ મુંબઈ બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા

 
ગોવિંદા
તેઓ 2004 થી 2009 સુધી કોંગ્રેસ પાર્ટીના સાંસદ હતા.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભાની ચૂંટણીની તારીખ જેમ નજીક આવી રહી છે, તેમ રાજકીય માહોલ પણ ગરમાઈ રહ્યો છે. લેટેસ્ટ વિકાસમાં, ફિલ્મ અભિનેતા ગોવિંદા આજે શિંદે જૂથની શિવસેનામાં જોડાયા છે. તેઓ બાળાસાહેબ ઠાકરે ભવનમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. એવું માનવામાં આવે છે કે, તેઓ ઉત્તર પશ્ચિમ મુંબઈ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.

 

તેમણે જણાવ્યું હતું કે, એકનાથ શિંદેજીનો આભાર, આજે શિવસેનામાં જોડાવાનો અર્થ ભગવાનની પ્રેરણા છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ 2004 થી 2009 સુધી કોંગ્રેસ પાર્ટીના સાંસદ હતા. હવે ચૌદ વર્ષના વનવાસ પછી હું શિવસેનામાં જોડાયો છું. મુંબઈ હવે સુંદર અને વિકસિત દેખાઈ રહ્યું છે. અહીં વિકાસના કામો થઈ રહ્યા છે.તેમણે પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીમાં સકારાત્મકતા છે. તેમણે દેશને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે. ગણેશ જયંતિ પર હું મુખ્યમંત્રીને મળ્યો હતો, આજે ગણેશ ચતુર્થીના દિવસે શિવસેનામાં જોડાયો છું.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિંદેએ જણાવ્યું હતું કે, ગોવિંદાએ પાર્ટીમાં સામેલ થવા માટે કોઈ શરત રાખી નથી. ગોવિંદા અમારી પાર્ટીના સ્ટાર પ્રચારક હશે.

એકનાથ શિંદે જૂથની શિવસેનામાં સામેલ થવા પર બોલીવુડના દિગ્ગજ અભિનેતા ગોવિંદાએ જણાવ્યું હતું કે, હું 2004 થી 2009 સુધી રાજકારણમાં હતો અને તે 14મી લોકસભા હતી. આ એક અદ્ભુત સંયોગ છે કે, હવે 14 વર્ષ પછી, આજે હું ફરીથી રાજકારણમાં આવ્યો છું.