ચૂંટણી@રાજકોટ: રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણીપંચની નોટીસ, જાણો સમગ્ર મામલો વિગતે

 
રૂપાલા

પાટીદારના વોટ કડવા-લેઉવામાં વહેંચાઇ જવાની શક્યતાઓ દેખાઈ રહી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. સ્ટાર પ્રચારકો પ્રચાર માટે મેદાનમાં ઉતરી ગયાં છે. ત્યારે રાજ્યમાં રાજકારણનું એપી સેન્ટર બનેલી રાજકોટ બેઠક પર બંને ઉમેદવારોને ચૂંટણી પંચ દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. ચૂંટણી પંચે રૂપાલા અને ધાનાણી પાસેથી ખર્ચની વિગતો માંગી હતી.બંને જણાએ ખર્ચનો હિસાબ રજૂ કરવા માટે સમયની માંગ કરી હતી.

રાજકોટમાં રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે અગાઉ જસદણમાં રૂપાલાએ ક્ષત્રિય સમાજની ફરી માફી માગી હતી અને કહ્યું હતું કે મારા લીધે મોદી સાહેબ સામે ક્ષત્રીય ઉભો થાય તે યોગ્ય નહીં. મારી ભૂલ હતી, મેં માફી માંગી છે. ચૂંટણીમાં હાર-જીતની આ વાત નથી. સમજણનો નવો સેતુ બાંધવાનો આ પ્રયાસ છે. ક્ષત્રિય સમાજ આ વિષયને રાજકારણથી દૂર રાખે એવી વિનંતી.સોમવારે રાજકોટમાં કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીએ મરછા નગર વિસ્તારમાં આયોજીત કોંગ્રેસની સભામાં બેફામ નિવેદન બાજી કરી હતી. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, પટેલ અને બાપુ બંને હરખપડુદા છે. 1995થી ભ્રષ્ટ્રાચાર નાબુદ કરવા આપણે ભાજપનું બી વાવ્યું. અમે પટેલીયા અને બાપુઓ હરખપદુડા થઈ દરરોજ ભાજપને 10 ડોલ પાણી પાયું. બધા સમાજનો વારો આવી ગયો બાપુ બચ્યા હતા હવે એ ઝપટે ચડ્યા છે.

ક્ષત્રિયોના આંદોલન-વિરોધનો ફાયદો પરેશ ધાનાણીને થશે?

રૂપાલાની સામે કોંગ્રેસના યુવા નેતા અને પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી મેદાનમાં ઉતર્યા છે. હાલમાં એક તરફ પરષોતમ રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે આ ક્ષત્રિયોના આંદોલન-વિરોધનો ફાયદો પરેશ ધાનાણીને થશે. ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલા કડવા પાટીદાર છે, જયારે પરેશ ધાનાણી લેઉઆ પાટીદાર છે. ત્યારે પાટીદારના વોટ કડવા-લેઉવામાં વહેંચાઇ જવાની શક્યતાઓ દેખાઈ રહી છે. રાજકોટ લોકસભા બેઠકમાં સાડા ત્રણ લાખ લેઉઆ પાટીદાર મતદારો, બે લાખથી ઓછા કડવા પાટીદારો અને અન્ય મતદારોની સંખ્યા ચાર લાખ છે.