ચૂંટણી@વડોદરા: કોંગ્રેસની નજર શહેરની રાજકીય ગતિવિધિઓ પર, ટૂંક સમયમાં ઉમેદવારની જાહેરાત

 
કોંગ્રેસ
વડોદરાના નેતૃત્વ સામે મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ અસંતોષ વ્યક્ત કરી ચુક્યા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરામાં ભાજપના લોકસભા ઉમેદવાર આંતરિક વિરોધનો સામનો કરી રહ્યા છે, તો કોંગ્રેસ હજી સુધી ઉમેદવારોના નામ જાહેર નથી કરી શકી. આ સ્થિતી અંગે કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલે જણાવ્યું કે, સીઇસીની આગામી બેઠકમાં વડોદરા સહિત 7 લોકસભા બેઠકના નામો અંગેનો આખરી નિર્ણય લેવાશે. પાર્ટી જેને ટીકીટ આપશે તે લડશે.ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા વડોદરામાં કોંગ્રેસ પક્ષના મોટા નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાઇ ચુક્યા છે.

કોંગ્રેસના અનેક દિગ્ગજો મીડિયા સમક્ષ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની મનાઇ જાહેર કરી ચુક્યા છે. ભાજપની જેમ કોંગ્રેસમાં પણ આંતરિક ડખાની સ્થિતી છે. તો બીજી તરફ ભાજના ઉમેદવારની આખરી પસંદગી થઇ ચુકી છે. અને તેમણે આજથી જોરશોરમાં પ્રચાર પણ શરૂ કરી દીધો છે. વડોદરામાં લોકસભાની ચૂંટણી પહેલા એક તરફી સ્થિતી થઇ રહી હોવાનું સ્થાનિકો અનુભવી રહ્યા છે.કોંગ્રેસના ઉમેદવારોના નામો જાહેર થવામાં વિલંબને લઇને પ્રવક્તા નિશાંત રાવલ જણાવે છે કે, કોંગ્રેસ વ્યુહાત્મક રીતે ઉમેદવારોની પસંદગી કરતી હોય છે. વડોદરામાં પણ અનેક રાજકીય સમીકરણોને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાનો હોય છે.

આગામી સીઇસીની બેઠકમાં વડોદરા સહિત સાત લોકસભા બેઠક માટેના ઉમેદવારોના નામોને લઇને મનોમંથન થવાનું છે. ટુંક સમયમાં જ તેમના નામો જાહેર કરવામાં આવશે.વધુમાં નિશાંત રાવલ જણાવે છે કે, વડોદરામાં કોંગ્રેસના 7 કોર્પોરેટર ચૂંટાઇને આવ્યા છે. તેઓ લોકોના પ્રશ્નોને વધુ સક્ષમતાથી પાલિકાની સભામાં મુકી રહ્યા છે. પાર્ટીના મોવડી મંડળ પાસે સક્ષમ ઉમેદવારોના નામોની યાદી ઉપલબ્ધ છે. વડોદરામાં પાર્ટી જે ઉમેદવારના નામ પર મહોર મારશે, તે ચૂંટણી લડશે. વડોદરામાં જે રીતે ભાજપ ઉમેદવાર બદલી રહી છે, વડોદરામાં નવા મુકાયેલા ભાજપના ઉમેદવારનો વિરોધ થઇ રહ્યો છે. તેના પર અમારી સંપૂર્ણ નજર છે. આ બધી ગતિવીધીઓને ધ્યાને રાખીને પાર્ટી નિર્ણય લેશે.