વિજળી@દેવગઢબારીયા: વર્ષો બાદ વિજળી મેળવી ગામલોકોની ખુશી અપાર વધી, સરપંચની મહેનત રંગ લાવી

 
Devghdh
અધિકારીઓએ એક્શન લઈ વિજ પુરવઠો શરૂ કરવા કવાયત હાથ ધરી હતી

દેવગઢબારીઆ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાંથી પ્રકાશ પથરાયાના વિકાસલક્ષી અહેવાલ સામે આવ્યા છે. નગવાવ ગામમાં વર્ષોથી અનેક ઘરોને વિજપુરવઠાની સમસ્યા હતી તેનો ઉકેલ આવ્યો છે. સરપંચ અને તંત્રની મહેનતથી અનેક પરિવારોના ઘરો વીજળીથી ઝળહળ્યા ત્યારે ભેગાં મળીને ખુશી વ્યક્ત કરી હતી.

દાહોદ જિલ્લાના દેવગઢબારીઆ તાલુકાના નગવાવ ગ્રામ પંચાયતના સરપંચ સંજયસિંહ પરમારની મહેનત અને તંત્રના હકારાત્મક અભિગમને કારણે વધુ એક સફળ કાર્ય પૂર્ણ થયું તેમાં સૌથી મોટો લાભ ગામના રહીશોને મળ્યો છે. નગવાવ ગામના ડુંગરી ફળિયામાં રહેતા ગરીબ પરિવારોના ઘરોને વર્ષોથી લાંબી ધીરજ અને અંધારાના વેદના બાદ આખરે વીજળી એટલે કે વિજ પુરવઠો મળ્યો છે. સરપંચે સરકારની વિજ પુરવઠા યોજના હેઠળ વંચિત પરિવારોને વીજ લાઇન અપાવવા મજબૂત રજૂઆત કરી હતી. જેના કારણે વહીવટીતંત્રના સંબંધિત અધિકારીઓએ એક્શન લઈ વિજ પુરવઠો શરૂ કરવા કવાયત હાથ ધરી હતી. જેના પરિણામે ગામના 125 પરિવારોના ઘરોમાં મીટર આપવા તેમજ વિજ લાઈન નાખવાની કામગીરી MGVCL દેવગઢ બારીઆના અધિકારી એસ. કે. પટેલની સીધી દેખરેખ હેઠળ યુદ્ધના ધોરણે પૂર્ણ કરી દેવામાં આવી છે. વર્ષોથી અંધારાનો સામનો કરી રહેલા   પરિવારોના ઘરો હવે વીજળીના પ્રકાશથી ઝળહળી ઉઠ્યા છે ત્યારે ગામમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.