ઘટના@બનાસકાંઠા: નવાપુરા ગામે વીજળી પડતા બે સગી બહેનોના કમકમાટીભર્યા મોત

 
ઘટના

બે કિશોરીના મોત થતા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં હવે વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠામાં કેટલાક વિસ્તારોમાં ગત રાત્રે વરસાદ પડ્યો હતો. જેમાં થરાદ પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી બફારા વચ્ચે મોડીરાત્રે મેધરાજાએ મહેર કરતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. તેમજ સુઇગામ તાલુકાના નવાપુરામાં વીજળી પડતાં બે સગી બહેનોના મોત થયા હતા. બંને બહેનો ખેતરમાં ઘરની આગળ પસાર થઇ રહી હતી. ત્યારે અચાનક વીજળી પડી હતી. બંનેના મૃતદેહ સુઇગામ રેફરલ હોસ્પિટલમાં પીએમ અર્થે લઇ જવાયા હતા.

સગી બહેનોના મોતથી સમગ્રપંથકમાં અરેરાટી પ્રસરી ગઇ હતી. મૃતક આરતી અને ખુશી ગામની જ પ્રાથમિક શાળામાં ધોરણ 7 અને 8માં અભ્યાસ કરતી હતી. જેમના મોતથી શાળા પરિવાર સહિત સહપાઠીઓ આઘાતમાં સરી પડ્યા હતા. આ અંગે સુઈગામ તાલુકાના નવાપુરાના ગ્રામજનોએ જણાવ્યું હતુ કે, ખેતરમાં રહેતા દિનેશભાઇ રણછોડભાઇ ઠાકોરની બે પુત્રી આરતી અને ખુશી  ઘર આગળ પસાર થતી હતી. ત્યારે અચાનક આકાશમાંથી બંને બહેનો ઉપર વીજળી પડતાં બંને જમીન ઉપર ઢળી પડી હતી. જ્યાં પરિવારજનો તેમજ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને બંનેને 108 દ્વારા સુઇગામ અને ત્યાંથી વધુ સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ ઉપરના તબીબે બંને બહેનોને મૃત જાહેર કરી હતી.