ઘટસ્ફોટ@અમદાવાદ: રાજકીય પાર્ટીઓના નામે દાન મેળવી 1000 કરોડનું કૌભાંડ આચર્યું, 2 ની ધરપકડ

 
કૌભાંડ
દાનની રકમ પોલિટિકલ પાર્ટીના ખાતામાં જમા થયા બાદ કમિશન લઇ ટ્રાન્સફર કરતા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વિવિધ રાજકીય પાર્ટીઓના નામે દાન મેળવ્યા બાદ ઇન્કમટેક્સમાં દાનમાં મળેલ રકમ બાદ મેળવી પરત કરી 1000 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યાની ચોંકાવનારી વિગત સામે આવી છે. આ મામલે CID ક્રાઇમે બે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ.એન.વોરાએ આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.આરોપીઓએ 1000 કરોડ રાજ્કીય વિવિધ પાર્ટીઓના નામે દાનમાં મળવ્યા હતા. ત્યારબાદ આ રકમ ઇન્કમટેક્સની વિવિધ કલમ હેઠળ મેળવ્યા બાદ જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કરી કૌભાંડ આચર્યું હતું. આ મામેલ CID ક્રાઇમને જાણ થતા રેડ કરી મુખ્ય આરોપી ઉમંગ વિનોદભાઇ દરજી અને રવિ પ્રકાશભાઇ સોનીની ધરપકડ કરી હતી. ત્યારબાદ બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા.

જ્યાં સરકારી વકીલ મનિષા સેન્ડરે એવી રજૂઆત કરી હતી કે, આરોપીઓએ 1000 કરોડની લેવડદેવડ કરી સરકાર સાથે મોટા પાયે છેતરપિંડી કરી છે, જે ટેક્સ ચોરી કરી છે તે નાણાં કબજે કરવાના છે, આરોપીઓ છેલ્લા ચાર વર્ષથી કૌભાંડ આચરતા હતા તે મામલે પૂછપરછ કરવાની છે, આરોપીઓએ અલગ અલગ GST નંબર મેળવી સમગ્ર પ્રક્રિયા કઇ રીતે કરી હતી?, આરોપીઓએ GST નંબર મેળવવા કયા કયા દસ્તાવેજ રજૂ કર્યા હતા? આરોપીઓએ પોલિટિકલ પાર્ટી કમિશનથી ખરીદવા માટે કોણે કોણે ભલામણ કરી હતી?

આરોપીઓ ટેક્સ બચાવવા બનાવટી બિલ, GST તથા ઇન્કમટેક્સ ઓફિસમાં રજૂ કરેલી પેઢીઓના રજિસ્ટ્રેશન નંબર અને એડ્રેસની તપાસ કરવાની છે, પોલીસે રેડ કરી તે સિવાય કઇ જગ્યાએ કૌભાંડ ચાલતું હતું?, રેડ સમયે કોરા કાગળ, કમ્પ્યૂટર, પ્રિન્ટર ,પેન ડ્રાઇવ, હાર્ડ ડિસ્ક, નકલી સ્ટેમ્પ સહિતના દસ્તાવેજ મળ્યા છે તે ક્યાં બનાવ્યા અને શું ઉપયોગ કર્યો, આરોપીઓએ બેંક એકાઉન્ટ સિવાય કયા કયા એકાઉન્ટનો ઉપયોગ થયો છે?, આરોપીઓએ ગેરકાયદે રકમ સંગ્રહ કરવા કઇ કઇ બેંકના લોકરનો ઉપયોગ કર્યો? આરોપી ઉંગમ પાસેથી પાસ બુક, ચેક બુક, પાનકાર્ડ, 8 કરોડના ચેક મળ્યા છે તેની તપાસ કરવાની છે.

તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, આરોપીઓએ વિવિધ દાતાઓ પાસેથી પોલિટિકલ પાર્ટીઓના નામે દાનમાં રકમ મેળવી હતી. જે પોલિટિકલ પાર્ટીઓના ખાતામાં જમા થયા બાદ પોતાનું કમિશન લઇ આ રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી હતી અને દાન આપનારને રોકડમાં પરત કરી છે તે મામલે પોલીસ તપાસ કરી રહી છે.