પર્દાફાશ@અમદાવાદ: નકલી બ્લડ પ્રેશરની દવાનું રેકેટ ઝડપાયું, લખનઉની ફેક્ટરીમાં બનતી હતી દવા

 
કૌભાંડ

નિકાર્ડિયા રિટાર્ડ-10 નામે વેચાતી હતી દવા

​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતું નકલી દવાનું રેકેટ ઝડપાયું છે. ક્રાઈમ બ્રાન્ચ અને ખોરાક-ઔષધ તંત્ર દ્વારા સંયુક્ત કાર્યવાહી કરી નકલી બ્લડ પ્રેશરની દવાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દવા નિકાર્ડિયા રિટાર્ડ-10ના નામે વેચાતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે નકલી દવાનું ઉત્પાદન ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે આવેલી ફેક્ટરીમાં કરવામાં આવતું હતું. ત્યારબાદ આ દવાઓ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં સપ્લાય કરવામાં આવતી હતી. અમદાવાદ અને મૈસૂર સુધી નકલી દવાનો જથ્થો પહોંચાડવામાં આવ્યો હોવાની માહિતી મળી છે.

આરોપીઓ ઓરિજિનલ કંપનીના નામનો ઉપયોગ કરીને નકલી દવા તૈયાર કરતા હતા. દવાના પેકિંગ અને બેચ નંબર એટલી બારીકાઈથી તૈયાર કરવામાં આવતા હતા કે પ્રથમ નજરે નકલી અને અસલી દવા વચ્ચેનો તફાવત ઓળખવો મુશ્કેલ હતો. અમદાવાદના એક મેડિકલ સ્ટોરમાંથી પણ નકલી દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ અને લખનઉમાંથી કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

તપાસમાં આરોપી ઉમંગનો અગાઉના ગુનાહિત રેકોર્ડ પણ સામે આવ્યો છે. જૂન 2025માં પુણેમાં તેની ધરપકડ થઈ હતી. આ ઉપરાંત સપ્ટેમ્બર 2022માં GST Act હેઠળ પણ તેની સામે કેસ નોંધાયો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. હાલ સમગ્ર નકલી દવા નેટવર્કની તપાસ ચાલી રહી છે. દવાનું ઉત્પાદન, સપ્લાય અને વેચાણ સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા પણ તપાસવામાં આવી રહી છે.