પર્દાફાશ@અમદાવાદ: વે-બ્રીજના વજન કાંટામાં ચીપ લગાવી કરોડોની છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ

 
છેતરપિંડી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં વે-બ્રીજ (વજન કાંટા) સાથે ચેડા કરીને કરોડો રૂપિયાની ઠગાઈ કરતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે. આ ગેંગ દેશના અનેક રાજ્યોમાં સક્રિય હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આરોપીઓ ઇલેક્ટ્રોનિક વજન મશીનમાં ગેરકાયદેસર ચીપ ફિટ કરીને વજનમાં ગોટાળો કરતા હતા.

આ ગેંગ રિમોટ કંટ્રોલ દ્વારા ટ્રકનું વજન ઓછું બતાવીને ખોટી કાંટા ચીઠ્ઠી બનાવતી હતી, જેના કારણે સ્ક્રેપ ખરીદીમાં મોટા પાયે છેતરપિંડી થતી હતી. ખાસ કરીને બિલ્ડિંગ સાઇટ અને સ્ક્રેપયાર્ડને નિશાન બનાવી આ ગેંગ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી હતી.તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, ગેંગ છેલ્લા ચારથી પાંચ વર્ષથી સક્રિય હતી. હરાજીમાં ટેન્ડર મેળવ્યા બાદ આરોપીઓ વજનમાં ગોટાળો કરતા હતા. એક ટ્રકમાંથી 5થી 10 ટન માલ ઓછો બતાવી દેવામાં આવતો હતો, જેનાથી વેપારીઓને ભારે નુકસાન સહન કરવું પડતું હતું.

પોલીસે વટવા GIDC ફેઝ-3 વિસ્તારમાં રેડ કરીને આ ગેંગને ઝડપવામાં સફળતા મેળવી છે. પ્રાથમિક તપાસ મુજબ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના સ્ક્રેપ વેપારીઓ સાથે પણ ઠગાઈ કરવામાં આવી હતી.આ ગેંગમાં રજનીશ નામનો આરોપી ખાસ ભૂમિકા ભજવતો હતો, જે રિમોટ ચીપ સપ્લાય કરતો હતો.

ક્રાઈમ બ્રાન્ચના PIએ જણાવ્યું હતું કે, આ ગેંગ ખૂબ સુનિયોજિત રીતે કામ કરતી હતી. ટેક્નોલોજીનો દુરુપયોગ કરીને વજનમાં ફેરફાર કરવામાં આવતો હતો. અમારી ટીમે ટેક્નિકલ અને ગુપ્ત માહિતીના આધારે સફળતા મેળવી છે. હાલ વધુ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે અને જલદી જ તેમને પણ ઝડપી પાડવામાં આવશે.