પર્દાફાશ@આણંદ: સરકારી યુરિયા ખાતરના ગેરકાયદેસર ઉપયોગ અને હેરાફેરીનું મોટું કૌભાંડ ઝડપાયું

 
કૌભાંડ
સબસિડીનો દુરુપયોગ કરતા કૌભાંડીઓમાં ભારે ફફડાટ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બોરસદ તાલુકામાં ખેતીવાડી માટે આપવામાં આવતા સબસિડીયુક્ત સરકારી યુરિયા ખાતરના ગેરકાયદેસર ઉપયોગ અને હેરાફેરીનું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે નાપા વાંટા રોડ પર સફળ દરોડો પાડીને ખેતી માટેના ખાતરને ઇન્ડસ્ટ્રીયલ યુરિયા તરીકે વેચવાના કથિત રેકેટનો પર્દાફાશ કર્યો છે. SOG ની આ ત્વરિત કાર્યવાહીથી સરકારી સબસિડીનો દુરુપયોગ કરતા કૌભાંડીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી નાસીરહુસેન ગુલામરસુલ શેખ, સમીર ઇસ્માઇલભાઈ મંસુરી અને જગુભા ઉર્ફે જગુભાઈ ઉદેસિંહ રાઠોડ નામના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે.

SOG પોલીસે સ્થળ પરથી યુરિયા ખાતરની ભરેલી 331 બેગ તથા 291 નંગ ખાલી બેગ મળીને કુલ રૂ.1,35,922 નો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં ખેતી માટેના સબસિડીવાળા ખાતરનું ઔદ્યોગિક ઉપયોગ માટે રીપેકિંગ કરવામાં આવતું હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના અંગે આણંદ ખેતીવાડી વિભાગને જાણ કરાતાં તેમની ટીમે સ્થળ પર પહોંચીને ખાતરના સેમ્પલ મેળવ્યા છે. હાલમાં બોરસદ રૂરલ પોલીસ મથકે આ અંગે જાણવા જોગ નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.