પર્દાફાશ@ભાવનગર: નકલી દુધ, પનીર બાદ હવે નકલી એન્જીન ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

 
ઓઇલ
રૂ.1.68 લાખના મુદ્દામાલ સાથે 2ની ધરપકડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં લૂઝ ઓઈલમાંથી એન્જીન ઓઈલ બનાવતી ફેક્ટરી લોકલ ક્રાઈમબ્રાંચે ઝડપી પાડી છે. બ્રાંન્ડેડ કંપનીના સ્ટિકર લગાવી નકલી એન્જીન ઓઈલનું વેચાણ કરતા બે શખ્સોને પોલીસે કુલ રૂ.1.68 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ બોરતળાવ પોલીસને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.શહેરના કુંભારવાડા બાનુબેનની વાડી પીપરના ચોક સામે આવેલા પ્લોટમાં અમીત બચુભાઇ દવે અને નિકુંજ શાંતિલાલ બારૈયા ગેરકાયદેસર રીતે લુઝ ઓઇલમાંથી બ્રાન્ડેડ કંપનીના ઓઇલ બનાવી વેચાણ કરતા હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઈમબ્રાંચે રેઈડ કરી તપાસ કરતા ઉક્ત શખ્સો બહારથી લુઝ ઓઇલ મંગાવીને તેને ઇલેક્ટ્રીક મશીન વડે મોટા ટીપણાંમાથી 900 એમએલની બોટલમાં ભરી, કાઉન્ટર ટેબલ ઉપર ઢાંકણા ઉપર સીલ મારવાના મશીનથી સીલ મારી, બ્રાન્ડેડ કંપનીના એન્જીન ઓઇલના સ્ટીકર ચોંટાડી બ્રાન્ડેડ કંપનીના એન્જીન ઓઇલ તરીકે વેચાણ કરતા હોવાનું ખુલ્યું હતું.

જે બાદ પોલીસે બન્ને શખ્સોને 85 લીટર અને 90 લીટર લુઝ ઓઇલ ભરેલ લોખંડના બે બેરલ તથા પ્લાસ્ટિકની બોટલો અને સ્ટીકરો મળી કુલ રૂ.1,68,920ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી માટે બન્નેને બોરતળાવ પોલીસને સોંપ્યા હતા. નકલી એન્જીન ઓઈલની ઝડપાયેલી ફેક્ટરી મુદ્દે ભાવનગર લોકલ ક્રાઈમબ્રાંચના પીઆઈ એ.આ.વાળાએ જણાવ્યું હતું કે, બન્ને અમદાવાદથી નકલી ઓઈલ લાવી મશીનો મારફત બોટલોમાં ભરી તેમાં બ્રાંન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં વેચાણ કરતા હતા.