પર્દાફાશ@ગીરસોમનાથ: બરૂલા ગામે હજારો મેટ્રિક ટન માટીની ચોરીનું મસમોટું કૌભાંડ

તપાસમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થવાની સંભાવના છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગીર સોમનાથમાં સુત્રાપાડાના બરૂલા ગામે તળાવમાં માટી કૌભાંડનો મામલો સામે આવ્યો છે. કૌંભાંડને લઈને જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ કડક તપાસના આદેશ આપ્યા છે. અહીં જોખમી સ્થિતિમાં ફેરવાયેલ તળાવનું યુદ્ધના ધોરણે મરામત કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજકીય ઓથ ધરાવતા NHAIના કોન્ટ્રાકટર દ્વારા નિયમ વિરુદ્ધ માટી ઉઠાવી લીધી હોવાનું સામે આવ્યું હતું. હજારો મેટ્રિક ટન માટી કાઢી લેતાં તળાવના પાળા ક્ષતીગ્રસ્ત બન્યા છે. આ સાથે બરૂલાથી આલિદ્રાને જોડતો રસ્તો પણ તળાવમાં ધસી જવાની ભીતિ સર્જાઈ છે.
એટલું જ નહીં પરંતુ માટી ઉઠાવવા માટે અપાયેલ મંજુરી પણ શંકાના દાયરામાં હોય તેવું લાગી રહ્યું છે. હજારો મેટ્રિક ટન માટીની રોયલ્ટી ચોરીનું પણ મસ મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડને પગલે રાજકીય નેતાની પ્રકરણ દબાવવા ગાંધીનગર સુધી દોડધામ મચી ગઈ છે. તપાસમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થવાની સંભાવના છે. આ મામલે જિલ્લા કલેક્ટર દ્વારા DDO પાસેથી અહેવાલ મંગાવામાં આવ્યો છે. જેથી આ મામલે યોગ્ય તપાસ થઈ શકે છે. આ સાથે સાથે રાજકીય ઓથ ધરાવતા ભુમાફિયાઓમાં દોડધામ મચી જવા પામી છે. કલેક્ટરે તપાસનો આદેશ આપ્યો છે, જેથી ભૂમાફિયાઓ અત્યારે સર્તક થઈ ગયા અને દોડધામ મચી ગઈ છે.