પર્દાફાશ@ગુજરાત: બોડેલી મુખ્ય કેનાલ રોડ પરથી વિદેશી દારૂનું મોટું નેટવર્ક ઝડપાયું, 4 ઝડપાયા
4 વાહનો સાથે બે સગીર સહિત 4 ઝડપાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મધ્યપ્રદેશથી બોડેલી મુખ્ય કેનાલ માર્ગે લવાતા દારૂના નેટવર્કનો સ્ટેટ વિજિલન્સે પર્દાફાશ કરી ચાર વાહનો કબજે કરી બે સગીર સહિત 4 શખ્સોને ઝબ્બે કર્યા છે જ્યારે અન્ય ત્રણ ફરાર જાહેર કરાયા છે. છોટાઉદેપુર તરફથી ટુ અને ફોર વ્હિલર પર દારૂનો જથ્થો લઈને વડોદરા, પંચમહાલ તરફ નર્મદા કેનાલ પાસેના રોડ માર્ગે કેટલાંક લોકો પસાર થવાના છે તેવી માહિતીના આધારે સ્ટેટ વિજિલન્સે વહેલી સવારે માણેકપુર પાસે નર્મદા કેનાલના મિનિ બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન દારૂનો જથ્થો લઈને આવેલા ત્રણ મોપેડો તેમજ એક ઈકો કારને ઝડપી પાડી હતી.
પોલીસે બે સગીર વાહન ચાલકો અને જયેન્દ્રસિંહ રમેશસિંહ ગોહિલ (રહે. બાકરોલ, જિલ્લો પંચમહાલ) તેમજ પ્રેમકુમાર રાજેન્દ્ર ભાલીયા (રહે.ઘંટિયાળ, તા.સાવલી)ને ઝડપી પાડ્યા હતાં. તેઓની પાસેથી પોલીસે રૂા.2.29 લાખ કિંમતની 1373 નંગ દારૂ, બીયરની બોટલો તેમજ ચાર વાહનો મળી કુલ રૂા.5.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસને જોઈને ભાગી જનાર જયદીપ કમલેશ રાઠવા (રહે. દેગલા, તા. પાવીજેતપુર) તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર બકો શેઠ (રહે. ઝડુલી, તા. જાંબુઆ) સહિત ત્રણને ફરાર જાહેર કરાયા છે.

