પર્દાફાશ@ગુજરાત: બાવળામાં ખાણ-ખનિજ વિભાગની ટીમના દરોડા, અંદાજે 1 કરોડનો મુદ્દામાલ જપ્ત

 
કાર્યવાહી
ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ ખાણ-ખનિજ વિભાગની ટીમે બાવળા તાલુકાના શિયાળ ગામમાં દરોડા પાડ્યા છે. અહીં કોઈપણ પ્રકારની મંજૂરી વિના બેફામ રીતે સાદી માટીનું ગેરકાયદે ખોદકામ અને હેરાફેરી કરવામાં આવી રહી હતી. ખનિજ વિભાગની ક્ષેત્રીય તપાસ ટીમે આકસ્મિક રેડ પાડીને ઘટનાસ્થળેથી એક હિટાચી (એક્સકેવેટર) મશીન અને બે ડમ્પર (નંબર: GJ13AT0767 અને GJ13AT1183) કબજે કર્યા છે. સીઝ કરાયેલા આ તમામ વાહનોની અંદાજિત કિંમત 1 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે.

આ સમગ્ર કૌભાંડ સામે આવતા જ સ્થાનિક તંત્ર અને સરકારી બાબુઓની મિલીભગત સામે અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. ખનિજ માફિયાઓ રાતોરાત આટલા મોટા પાયે  હિટાચીઅને ડમ્પરો લાવીને જમીન ખોદી નાખે, ત્યાં સુધી સ્થાનિક વહીવટ તંત્ર અને પોલીસ ઊંઘતી ઝડપાય તે કેવી રીતે શક્ય બને? જાગૃત નાગરિકો દાવો કરી રહ્યા છે કે ખાણ-ખનિજ વિભાગે તો માત્ર એક જગ્યાએ દરોડા પાડયા છે પણ આવા કેટલાય સ્થળોએ માટી ચોરી થઈ રહી હશે તેની જવાબદારી કોની?હાલ પૂરતું તો ખનિજ વિભાગની આ આકસ્મિક કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓએ તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે અને માફિયાઓ પાસેથી લાખો રૂપિયાનો દંડ વસૂલવાની પ્રક્રિયા શરૂ કરી છે.