પર્દાફાશ@મહેસાણા: ખેરાલુમાં ચોંકાવનારું મનરેગા કૌભાંડ, 7થી 8 કરોડ રૂપિયાની ગેરરીતિ સામે આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં એક ચોંકાવનારું મનરેગા કૌભાંડ સામે આવ્યું છે. 7થી 8 કરોડ રૂપિયાની ગેરરીતિઓનો પર્દાફાશ થયો છે. ચાચરિયા ગામમાં થયેલી આ ગેરરીતિઓની ફરિયાદને આધારે લોકપાલ ગીરિશ શર્માએ રૂબરૂ તપાસ હાથ ધરી, જેમાં બોગસ જોબકાર્ડ, ખોટા બેંક એકાઉન્ટ્સ અને કાગળ પર બતાવેલા નકલી માટીકામની વિગતો સામે આવી.
સરકારી ચોપડે ચાચરિયા ગામમાં 50 શ્રમિકોના નામ નોંધાયેલા હતા, પરંતુ લોકપાલની તપાસમાં માત્ર 6 શ્રમિકો જ જવાબ આપવા આવ્યા. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ નકલી જોબકાર્ડ બનાવી, બેંક એકાઉન્ટ્સ ખોલી અને તેના એટીએમ તથા પીન નંબરનો ઉપયોગ કરીને લાખો રૂપિયા ઉપાડી લીધા. પાંચ માટીકામના કામો કર્યા વિના, કાગળ પર દર્શાવીને લાખો રૂપિયા ચાંઉ કરવામાં આવ્યા.
શ્રમિકો દ્વારા કરેલા કામ કરતાં વધુ દિવસો કાગળ પર દર્શાવી, ખોટી રીતે નાણાં ફાળવવામાં આવ્યા. લોકપાલ ગીરિશ શર્માની સ્થળ તપાસ બાદ આ કૌભાંડ જાહેર થતાં રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો. રાજ્યકક્ષાએ વિશેષ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. જે આ ગેરરીતિઓની ઊંડાણપૂર્વક તપાસ કરશે. તમામ જવાબદારો સામે કડક સજાની કાર્યવાહીનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ તપાસ આગળ વધે તો કરોડો રૂપિયાનું વધુ એક કૌભાંડ બહાર આવી શકે છે. ખેરાલુનું આ કૌભાંડ ગુજરાતમાં મનરેગા સંબંધિત પ્રથમ ઘટના નથી. દાહોદ અને ભરૂચ જેવા વિસ્તારોમાં પણ આવા કૌભાંડોની તપાસ ચાલી રહી છે. આ ઘટનાઓએ ગ્રામીણ રોજગાર યોજનાના અમલીકરણ પર સવાલો ઉભા કર્યા છે.