પર્દાફાશ@પંચમહાલ: વાંસદેલીયા ગામે ખેતરમાંથી રૂ.21 લાખનો લીલો ગાંજો ઝડપાયો

 
કાર્યવાહી
ખેડૂત સકંજામાં 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પંચમહાલના વાંસદેલીયા ગામે પોલીસે નાર્કોટિક્સ વિરોધી મોટી કાર્યવાહી કરી છે. ખેતરમાં વાવેલા રૂ.21,25,000ની કિંમતના 42.500 કિલોગ્રામ વજનના લીલા ગાંજાના 33 છોડ સાથે એક શખસને ઝડપી પાડવામાં આવ્યો છે.મોરવાહડફ તાલુકાના વાંસદેલીયા ગામે રાવત ફળીયામાં રહેતા અનોપસિંહ મથુરભાઈ રાવત દ્વારા તેની જમીનમાં ગાંજાના છોડ વાવવામાં આવ્યા હોવાની પંચમહાલ એસ.ઓ.જી.ને બાતમી મળી હતી.

પંચમહાલ એસ.ઓ.જી., મોરવાહડફ પોલસની સંયુક્ત ટીમે વાંસદેલીયા ગામે અનોપસિંહ રાવતના ખેતરમાં એકાએક તપાસ કરતા ત્યાંથી લીલા ગાંજાના નાનામોટા 33 છોડ મળી આવ્યા હતા, જેનું એફ.એસ.એલ. ની મદદ લઇને પરીક્ષણ કરાવતા ખેતરમાંથી મળેલા છોડ ગાંજાના હોવાની ખરાઈ થઈ હતી. પોલીસે સ્થળ પર જ તમામ છોડનું વજન કરાવતા 42.500 કિલોગ્રામ જણાયું હતું. ત્યારબાદ પોલીસે રૂ.21.25 લાખની કિંમતના ગાંજાના છોડને કબજે કર્યા હતા અને અનોપસિંહ મથુરભાઈ રાવતની અટકાયત કરી તેની વિરુદ્ધ મોરવાહડફ પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.