પર્દાફાશ@રાજકોટ: આવાસ યોજના કવાર્ટરમાં ચાલતું ગેરકાયદેસર ગર્ભ પરિક્ષણનું કૌભાંડ ઝડપાયું

18 હજારમાં ગર્ભ પરિક્ષણ, 20 હજારમાં ગર્ભપાતનું કારસ્તાન
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટમાં ગેરકાયદેસર ગર્ભ પરિક્ષણના ગોરખધંધાનો પર્દાફાશ થયો છે.શહેરના મવડી વિસ્તારમાં સિતાજી ટાઉનશીપના કવાર્ટરમાં મહિલા ગેકરાયદે ગર્ભ પરિક્ષણ કરી આપતી હોવાની માહિતી મળ્યા બાદ એસઓજીની ટીમે સર્ગભા મહિલા કોન્સ્ટબેલને ડમી ગ્રાહક તરીકે મોકલી આ કારસ્તાન ઝડપ્યું હતું. આ મહિલા રૂ.18 હજારમાં ગેરકાયદે ગર્ભપરિક્ષણ અને રૂ.20 હજારમાં ગર્ભપાત કરાવી આપતી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે મહિલાને ઝડપી લઇ રૂ.4 લાખની કિંમતનું સોનાગ્રાફી મશીન સહિત 4.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મહિલા સરોજબેન વિનોદભાઈ ડોડિયાએ નર્સિંગનો કોર્સ કર્યો છે. જેને 2021ની સાલમાં એસઓજીએ જ ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરતાં ઝડપી લીધી હતી. હાલ મહીલા સામે મનપાના આરોગ્ય અધિકારીની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી પી.સી એન્ડ પી એન પી.ટી. એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
એસઓજીના પીઆઇ એસ.એમ. જાડેજાની રાહબરી હેઠળ ટીમ તપાસમાં હતી. દરમિયાન હેડ ન્સ. જયદીપસિંહ ચૌહાણ અને કોન્સ. અનોપસિંહ ઝાલાને એવી માહિતી મળી હતી કે અગાઉ ગેરકાયદે ગર્ભ પરિક્ષણમાં ઝડપાયેલી મહિલાએ ફરી આ ગોરખધંધા શરૂ કર્યાની માહિતી મળી હતી. જેના આધારે છેલ્લા એકાદ માસથી એસઓજીની ટીમ તેની ખરાઈ કરી રહી હતી. આખરે ખાતરી થતાં જ બે મહિલા કોન્સ્ટેબલને ડમી ગ્રાહક તરીકે તૈયાર કરાઈ હતી.
આ બંને મહિલા કોન્સ્ટેબલમાંથી એક ખરેખર હાલ સર્ગભા છે. નક્કી થયા મુજબ બંને મહિલા કોન્સ્ટેબલ મવડી નજીક આવેલા આરએમસીના કવાર્ટરમાં પહોંચી હતી. આ કવાર્ટરમાં જ સરોજબેન ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરી આપતાં હતા. અગાઉ પકડાઈ ગયા હોવાથી તેઓ હવે તકેદારી રાખતા હતા. જેના ભાગરૂપે તેણે બંને મહિલા કોન્સ્ટેબલની કયા સ્થળેથી આવ્યા છો, કોણે રેફરન્સ આપ્યો સહિતની રજે-રજની માહિતી મેળવી ખાત્રી કર્યા બાદ ગેરકાયદે ગર્ભ પરિક્ષણના રૂા.18 હજાર અને જો દિકરી હોય તો ગર્ભપાત કરાવી અપાવવાના રૂા.20 હજાર કહ્યા હતા. તેણે સર્ગભા મહિલા કોન્સ્ટેબલને તપાસ કરી ત્રણ માસનો ગર્ભ હોવાનું પણ કહ્યું હતું. ખાત્રી થઈ ગયા બાદ બંને મહિલા કોન્સ્ટેબલે એસઓજીની ટીમને જાણ કરતાં સરોજને ઝડપી લીધી હતી.