પર્દાફાશ@સાયલા: નીલગાયનો શિકાર કરી માંસ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપી ઝડપાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નીલગાયનો શિકાર કરી તેના માંસનો વેપલો કરતી ટોળકીનો સાયલા ફોરેસ્ટ વિભાગે પર્દાફાશ કર્યો છે. સેજકપર ગામની સીમમાં મોડી રાત્રે પાડવામાં આવેલા દરોડામાં બે શિકારીઓ ઝડપાયા છે, જ્યારે અન્ય ત્રણ અંધારાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.સામાજિક વનીકરણ વિભાગના છઋઘ સાગર મકવાણા, ભવાનીસિંહ જાદવ અને નોર્મલ વિભાગના સ્ટાફને બાતમી મળી હતી કે સેજકપરની સીમમાં નીલગાયનો શિકાર થઈ રહ્યો છે.
આ બાતમીના આધારે ટીમે વોચ ગોઠવી હતી. દરોડા દરમિયાન શિકારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. વન વિભાગે સ્થળ પરથી હનીફ ઇબ્રાહિમ સંધી અને જુનૈદ અહેમદ કુરેશીને ઝડપી પાડ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, આ ટોળકી પહેલા બંદૂકથી નીલગાય પર ફાયરિંગ કરી તેને મારી નાખતી હતી. ત્યારબાદ ધારદાર છરા અને સળિયા જેવા હથિયારોથી તેના અંગો અલગ કરી માંસ તૈયાર કરવામાં આવતું હતું. વન વિભાગે ઘટનાસ્થળેથીએક કાર અને એક બાઇક, નીલગાયના માંસનો જથ્થો, ધારદાર છરા અને લોખંડના સળિયા જપ્ત કર્યા છે.વન વિભાગ દ્વારા ઝડપાયેલા આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રિક્નસ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

