પર્દાફાશ@સુરત: કામરેજમાંથી તેલ અને ક્રીમનો ઉપયોગ કરીને નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયું

 
કૌભાંડ
મોટી માત્રામાં શંકાસ્પદ સામગ્રી મળી આવી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાંથી અસલી ઘીના નામે નકલી ઘી વેચતા એક મોટા કૌભાંડનો કામરેજ પોલીસે પર્દાફાશ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી નવાગામ જીઆઈડીસી વિસ્તારમાં આ નકલી ઘી બનાવતી હોવાનું સામે આવતાં ખળભળાટ મચ્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ નવાગામ સ્થિત શ્રીજી ઇન્ડસ્ટ્રિયલના પ્લોટ નંબર 7 માં આ અનધિકૃત કારખાનું છેલ્લા 15 દિવસથી કાર્યરત હતું. આ ફેક્ટરીમાં શુદ્ધ ઘી બનાવવાની આડમાં ભેળસેળયુક્ત પદાર્થો તૈયાર કરવામાં આવતા હતા. પોલીસની ટીમે જ્યારે આ જગ્યા પર દરોડા પાડ્યા, ત્યારે સ્થળ પરથી મોટી માત્રામાં શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી. તપાસ દરમિયાન પોલીસને ત્યાંથી તેલના 15 ડબ્બા, 140 કિલો જેટલી ક્રીમ, ભેંસના ઘીનો એક ડબ્બો અને ગાયના ઘીનો એક ડબ્બો મળી આવ્યા હતા.આ કૌભાંડીઓ કેવી રીતે અને કયા વિસ્તારમાં આ નકલી ઘીનું વેચાણ કરતા હતા, તે અંગે પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક અનુમાન મુજબ, આ માલને અલગ-અલગ બ્રાન્ડના નામે પેક કરીને બજારમાં ઉતારવાની યોજના હતી, જે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે મોટું જોખમ ઉભું કરી શકે તેમ હતું. હાલમાં કામરેજ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.