પર્દાફાશ@સુરત: મહિલાએ 14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી મહારાષ્ટ્રમાં વેચી દીધી, 2ની ધરપકડ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતના લિંબાયત વિસ્તારમાં પાડોશમાં જ રહેતી એક મહિલાએ 14 વર્ષની માસૂમ તરુણીને લગ્નની લાલચ આપી મહારાષ્ટ્રમાં વેચી દીધી હતી. લિંબાયત પોલીસે સક્રિયતા દાખવી મુખ્ય આરોપી મહિલા 'ફજ્જો' અને તેના દિયરને પાનોલી ખાતેથી ઝડપી પાડ્યા છે.આરોપી મહિલા ફજ્જોએ પોતાની પાડોશમાં રહેતી સગીરાને વિશ્વાસમાં લીધી હતી અને સારા ઘરે લગ્ન કરાવી દેવાના બહાને તેને મહારાષ્ટ્ર લઈ ગઈ હતી. અહીં તેણે માનવતાની તમામ હદો વટાવી સગીરાનો સોદો કર્યો હતો.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ફજ્જોએ આ તરુણીને સૌપ્રથમ શોએબ નામના યુવકને રૂપિયા 50 હજારમાં વેચી હતી. ત્યારબાદ, વધુ લાલચમાં આવી તેણે મહારાષ્ટ્રના સોલાપુરમાં અન્ય એક યુવક સાથે આ તરુણીનો રૂપિયા 2 લાખમાં સોદો કરી દીધો હતો.
નરક સમાન સ્થિતિમાં ફસાયેલી તરુણીએ હિંમત હાર્યા વગર ગમે તેમ કરીને પોતાના પરિવારનો સંપર્ક સાધ્યો હતો અને પોતાની આપવીતી જણાવી હતી. પરિવારે તાત્કાલિક લિંબાયત પોલીસનો સંપર્ક કરતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી. લિંબાયત પોલીસે ઓપરેશન પાર પાડી મુખ્ય આરોપી ફજ્જો અને તેના દિયરને અંકલેશ્વર નજીક પાનોલીથી ઝડપી પાડ્યા છે. હાલ પોલીસ આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને અગાઉ પણ કોઈ યુવતીઓ આ ટોળકીનો ભોગ બની છે કે કેમ તે દિશામાં સઘન પૂછપરછ કરી રહી છે.

