અટલ સમાચાર,નવસારી
કપરાડામાં છેલ્લાં એક વર્ષથી સ્વરોજગાર કરતા સોહિલ ખાન ઉં.વ.32 પોતાના બે દીકરા રેહાન ઉં.વ.9 અને નાના પુત્ર જીયાન ઉ.વ.5ને ઝેર પીવડાવી પોતે પણ ફાંસો ખાઈ લીધો છે. ત્રણેયનાં મૃતદેહ તેમની દુકાનમાંથી મળી આવતાં બજારમાં હડકંપ મચી ગયો છે. મૂળ ચીખલી તાલુકાના અને હાલમાં ધરમપુર ખાતે રહેતા સોહિલખાન કપરાડા ખાતે પોતાનો ફોટો સ્ટુડિયો ચલાવતા હતા. તેઓ દરરોજ ધરમપુરથી કપરાડા અપડાઉન કરતા હતા.
રવિવારે મોડી સાંજે દુકાનમાં સોહિલ ખાન પોતે ફાંસો ખાધેલી હાલતમાં તેમજ તેમના બે દીકરા પણ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક માહિતી પ્રમાણે સોહિલખાને સૌ પ્રથમ બંને બાળકોને ઝેર પીવડાવ્યું હતું અને ત્યારબાદ પોતે ફાંસો ખાઈ લીધો હતો. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી સોહિલખાન અને તેની પત્ની હિના વચ્ચે ઝઘડો થતો હતો. તેના કારણે આ પગલુ ભર્યું છે કે નહીં તે બાબતમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે મૃતક યુવાને મુસ્લિમ મહિલા સાથે પ્રેમ લગ્ન કરીને મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો હતો
વલસાડનાં કપરાડામાં ફોટો સ્ટુડિયો અને વોચ સેન્ટર ચલાવનાર મુસ્લિમ યુવાને પોતાનાં બે દીકરાઓ સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.