લડત@મહેસાણા: મૃતક દિકરીના પરિવારને ન્યાય અપાવવા કોંગ્રેસની રણનીતિ, લોકોને સાથે લઈ તંત્રને રજૂઆત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા
વિસનગર નજીક આવેલી મરચન્ટ કોલેજની વિદ્યાર્થીનીના કથિત મોત મામલે ફરીએકવાર કોંગ્રેસ દ્વારા લડત શરૂ કરવામાં આવી છે. મૃતક દિકરીના પરિવારને ન્યાય અપાવવા આ વખતે ધારાસભ્ય અને સ્થાનિક સંગઠન દ્વારા મોટી રણનીતિ સાથે તંત્રને ફરિયાદ કરી છે. નામ અને નંબર સાથે લોકોની ઓળખ સાથે લોકોને સાથે જોડી કોંગ્રેસે દિકરીના મોતની તટસ્થ અને ઝડપી તપાસ માટે દોડધામ કરી છે. આજે વડગામ ધારાસભ્ય મેવાણી અને મહેસાણા જિલ્લા કોંગ્રેસના નેતાઓ તેમજ મોટી સંખ્યામાં આવેલા કાર્યકર સહિતનાએ લેખિતમાં કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. હોમિયોપથીનો અભ્યાસ કરતી માત્ર 19 વર્ષની ઉર્વશી શ્રીમાળીના મોત મામલે કોંગ્રેસે પારદર્શક તપાસની માંગ સાથે કોલેજ સત્તાધિશોના વર્તન સામે નારાજગી વ્યક્ત કરી છે. જાણીએ સમગ્ર અહેવાલ.
મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નગવાડા ગામની ઉર્વશી શ્રીમાળી મહેસાણા જિલ્લાના વિસનગર રોડ ઉપર આવેલ મરચન્ટ હોમીયોપેથી કોલેજમાં અભ્યાસ કરતી હતી. આ દરમ્યાન કથિત રીતે(આક્ષેપ છે કે)અધ્યાપકો સહિતનાઓના ત્રાસને કારણે ગત 29.01.2025 ના રોજ શંકાસ્પદ સ્થિતિમાં આપઘાત કર્યો હતો. આ ઘટના મામલે કોંગ્રેસની રજૂઆત મુજબ દીકરી પોતાની સૂસાઇડ નોટ પણ મૂકીને મોતને ભેટી હતી. તો વળી મૃતક દીકરીના માતા પિતાને ઉર્વશીની હત્યા થઈ હોવાની શંકા ઉભી થઇ છે. આવી સ્થિતિમાં ઉર્વશી શ્રીમાળીના મોત અંગે રહસ્ય વધુ ઘેરાઇ રહ્યું છે. બીજી તરફ દીકરીના પરિવારજનો માટે કોલેજના સત્તાધીશોનું જે સહાનુભૂતિપૂર્ણ વર્તન હોવુ જોઈતું હતું એ જોવા મળ્યું નથી તેવું કોંગ્રેસના આગેવાનો જણાવે છે. વાંચો નીચેના ફકરામાં
કોંગ્રેસના આગેવાનોએ સમગ્ર મામલે મૃતક દિકરીને ન્યાય અપાવવા વિવિધ સમાજના જાગૃત નાગરિકોને સાથે રાખી લડત આદરી છે. જેમાં નહિ માત્ર સાદી લેખિત અરજી પરંતુ દિકરીના ન્યાય માટે નામજોગ અને તેમના નંબર સાથે લોકો આગળ આવ્યા છે. કોંગ્રેસની રજૂઆત મુજબ 19 વરસની ઉર્વશી સમગ્ર ગુજરાતની દીકરી ગણાય એટલે તેના ડોક્ટર બનવાના, જીવનમાં પ્રગતિ કરવાના કોડ હતા. આથી કોઈના ટોર્ચરના કારણે ગુજરાતે હોનહાર અને બાહોશ દિકરી ગુમાવવી પડી એ તેના માતાપિતા માટે સૌથી વધુ આઘાતજનક છે.
કોંગ્રેસની રજૂઆતના મુદ્દા:
(૧) દીકરી ઉર્વશીના કેસની ન્યાયી, તટસ્થ તપાસ કરવામાં આવે તેમજ આરોપીઓની ભૂમિકા બાબતે સજ્જડ ચાર્જશીટ/ચાર્જફ્રેમ થાય
(૨) બે વર્ષમાં આ કેસની ટ્રાયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી પૂર્ણ કરવામાં આવે.
(૩) આ ઘટના બાદ મરચન્ટ કોલેજના જે પણ સત્તાધીશો મીડિયાની હાજરીમાં પોતાની આપવીતી કહી રહેલા વિદ્યાર્થીઓને ધાક ધમકીઓ આપતા હતા તેની અને તેના કારણોની પણ તપાસ કરવામાં આવે.
(૪) ગરીબ દલિત પરિવાર જ્યારે પોતાની દીકરીને મેડિકલનો અભ્યાસ કરવા માટે ઘરથી દૂર મોકલી અને દિકરીને મોતને ભેટવું પડે જે ખૂબ જ ગંભીર બાબત હોઈ તંત્રને જણાવવામાં આવ્યું કે, દીકરી ઉર્વશીને માનસિક ત્રાસથી મોતને ભેટવું પડ્યું છે તેની વિગતો અને સુસાઇડ નોટ બાબતે તટસ્થ તપાસ થાય.
આ સાથે કોંગ્રેસના આગેવાનો જણાવે છે કે, કોલેજના અન્ય વિદ્યાર્થીઓ દ્વારા જાણકારી મળી હતી કે, કોલેજના પ્રોફેસરો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, તેથી પોલીસ દ્વારા તેની યોગ્ય તપાસ કરવામાં આવી નથી અને આરોપીઓને જામીન પર તરત મુક્ત કરવામાં આવ્યા તે શંકાસ્પદ છે. કોંગ્રેસે ન્યાય માટે તંત્રને અપીલ કરી કે દીકરીને ન્યાય મળે તે અર્થે સીબીઆઇ તપાસ કરવામાં આવે અને આરોપીઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે.