આગાહી@દેશ: 13 રાજ્યોમાં ભારે વરસાદનું હાઈ એલર્ટ, 70થી 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારતીય હવામાન વિભાગએ દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનનું હાઈ અલર્ટ જાહેર કર્યું છે. લોકોને સાવચેત રહેવા અને જરૂર વગર બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી કેટલાક કલાકો ઉત્તર અને પૂર્વ ભારત માટે અત્યંત સંવેદનશીલ રહેશે. અનેક વિસ્તારોમાં વીજળી પડવાની તેમજ ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ખેડૂતો અને માછીમારોને ખાસ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.દિલ્હી અને એનસીઆરમાં 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે અને મહત્તમ તાપમાન આશરે 29 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.ઉત્તર પ્રદેશના લખનૌ, મથુરા, ઝાંસી, વારાણસી અને અયોધ્યા સહિતના જિલ્લાઓમાં 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની શક્યતા છે. બિહારના પટણા, મુઝફ્ફરપુર, ગયા અને પૂર્ણિયા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.
ઉત્તરાખંડના નૈનીતાલ, હરિદ્વાર અને ઋષિકેશમાં ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાવાની આગાહી છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના અનેક જિલ્લાઓમાં પણ વરસાદ અને તોફાની હવામાનને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે કોંકણ, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, તટીય કર્ણાટક, છત્તીસગઢ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત રાજસ્થાન, પંજાબ, મધ્ય પ્રદેશ, કેરળ અને પશ્ચિમ બંગાળમાં પણ વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થવાની શક્યતા છે.પૂર્વોત્તર ભારતના આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

