આગાહી@ગુજરાત: ગરમી 47 ડિગ્રી નજીક, લોકો ત્રાહિમામ, આજે પણ ગરમી ભુક્કા બોલાવશે!
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સમગ્ર ગુજરાતમાં ઉનાળો આકરો બન્યો છે. આકાશમાંથી આગ વરસી રહી છે.એક તબક્કે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ગરમી 47 ડિગ્રી પહોંચી ગઈ છે. અસહ્ય ગરમીના કારણે અબોલ પશુ પક્ષીઓથી લઈને માણસો સુધી ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમીની સ્થિતિને જોતા તંત્રએ અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે અમદાવાદમાં ગરમીનો પારો પોતાની ચરમ સીમા પાર કરી ગયો છે. ગુરુવારે અમદાવાદમાં ગરમીએ 46.6 ડિગ્રીની સપાટી વટાવતા 47 ડિગ્રી નજીક પહોંચી હતી. જોકે, અમદાવાદ શહેરના એરપોર્ટ વિસ્તારમાં ગરમીનો પારો 47.3 ડિગ્રી સુધી પહોંચ્યાના મીડિયામાં અહેવાલ પણ છે. ગુરુવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 30.8 ડિગ્રી અને મહત્તમ તાપમાન 46.6 ડિગ્રી નોંધાયું હતું.
તંત્ર દ્વારા આગામી દિવસો સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં ગરમી 45 ડિગ્રીની આસપાસ રહેશે. આજે અમદાવાદીઓને ગરમીમાંથી થોડી રાહત મળશે. જોકે, આ રાહત પુરતી નહીં હોય. કારણ કે અમદાવાદનું તાપમાન 45 ડિગ્રી રહેશે. અમદાવાદમાં પવનની ગતિ 19 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. હવાની ગુણવત્તા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. હવામાન વિભાગે ગુરુવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુરુવારે ગુજરાતમાં મહત્તમ તાપમાન 32.7 ડિગ્રીથી લઈને 46.6 ડિગ્રી સુધી નોંધાયું હતું. જેમાં અમદાવાદમાં 46.6 ડિગ્રી બાદ ગુજરાતમાં ગાંધીનગરમાં પણ ગરમીએ 46 ડિગ્રીની સપાટી સ્પર્શી હતી. 46 ડિગ્રી મહત્તમ તપામાન સાથે ગાંધીનગર રાજ્યનું બીજું સૌથી ગરમ શહેર રહ્યું હતું.
હવામાન વિભાગે રાજ્યના 21 જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરને ખાસ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, બોટાદ અને કચ્છમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત, વલસાડ, વડોદરા, અરવલ્લી છોટા ઉદેપુર, પંચમહાલ અને ખેડામાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે.