આગાહી@ગુજરાત: આ 12 જિલ્લામાં વરસશે અનરાધાર વરસાદ, અમદાવાદ અને ગાંધીનગરમાં યલો એલર્ટ

સિઝનનો અત્યાર સુધીમાં ફક્ત 29.69 ટકા વરસાદ વરસ્યો છે.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ સાર્વત્રિક મધ્યમથી હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આજે રાજ્યના 12 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે.સૌરાષ્ટ્રના છ, તો મધ્ય અને દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર આપવામાં આવ્યું છે. તો 16 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ આજે ભારે વરસાદનું અનુમાન છે.હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટા ઉદેપુરમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો ખેડા, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે.
દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ અને નર્મદાના છુટાછવાયા સ્થળોએ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો તાપી, ડાંગ,નવસારી, અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે આજે ભારે વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. તો અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં પણ છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 55.04 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.સૌથી વધુ કચ્છમાં 75.69 ટકા, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 73.68 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 66.71 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
મધ્ય ગુજરાતમાં સિઝનનો 34.68 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ફક્ત 29.69 ટકા વરસાદ વરસ્યો છે.ધોધમાર વરસાદને પગલે રાજ્યના 20 તાલુકામાં અત્યાર સુધીમાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. દ્વારકામાં સૌથી વધુ 237.66 ટકા, તો માણાવદર અને પોરબંદરમાં અત્યાર સુધીમાં 150 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. 11 તાલુકામાં ચોમાસાની સિઝનનો હજુ સુધી ફક્ત 20 ટકાથી પણ ઓછો વરસાદ વરસ્યો છે.