આગાહી@ગુજરાત: આ સાત દિવસમાં ગરમીનો પારો કેટલો વધશે? જાણો હવામાન અંગેની જાણકારી

 
હવામાન
સમગ્ર ગુજરાતમાં હાલમાં ઉત્તરીય પવનોને લીધે મિશ્ર ઋતુની અસર શરૂ થઈ ગઈ હોવાની માહિતી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આ વર્ષે માર્ચ માહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રી સુધી જવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાતો દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે આ વખતે ઉનાળો ખૂબ જ કપરો હશે. ત્યારે આ અઠવાડિયામાં ગુજરાતના હવામાનનો મિજાજ કેવો રહેશે તે અંગેની આગાહી જોઇએ.

આગામી 7 દિવસ માટે હવામાનની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની વેબસાઇટ પ્રમાણે, ગુજરાત રાજ્ય, દીવ, દમણ, દાદરા અને નગર હવેલી માટે 7 દિવસની હવામાન આગાહી આપી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, મહત્તમ તાપમાનની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી 4-5 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી.આ સાથે ન્યૂનતમ તાપમાન માટેની આગાહી જોઇએ તો, આગલા 2-3 દિવસ દરમિયાન 2-3°C નો ક્રમશઃ વધારો થશે.  આગામી સાત દિવસ રાજ્યનું હવામાન શુષ્ક-ડ્રાય રહેવાની આગાહી છે. વરસાદની કોઇ સંભાવના નથી.

તાપમાનને લઈ વાત કરીએ તો અમદાવાદમાં લઘુતમ તાપમાન 17 ડિગ્રી, ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રી, વડોદરામાં લઘુતમ તાપમાન 17.2 ડિગ્રી,તો પાલનપુર 14 ડિગ્રી સાથે રાજયનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે.અંબાલાલ પટેલે આગામી અઠવાડિયા દરમિયાન ઉત્તર ભારત પરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે તેની અસર ગુજરાત પર થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં તેમણે આંચકાનો પવન ફૂંકાવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે.