રાજકારણ@ગુજરાત: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનું સ્ફોટક નિવેદન, કહ્યું 'રાષ્ટ્રવાદી નહીં પણ જ્ઞાતિવાદી બનો'

 
રાજકારણ
સામાજિક કાર્યક્રમમાં ચૌધરી સમાજના અનેક દિગ્ગજ આગેવાનો હાજર રહ્યા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

થરાદ તાલુકાના ખેંગારપુરા ગામે ગંગા થાળી સામાજિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ચૌધરી સમાજના ભાજપ તથા કોંગ્રેસના અગ્રણીઓ તથા સમાજના આગેવાનો અને લોકો હાજર રહ્યા હતા.  જેમાં દિયોદરના કોંગ્રેસના ચૌધરી સમાજના પૂર્વ ધારાસભ્ય શીવાભાઇ ભૂરીયાએ જણાવ્યુ કે, રાષ્ટ્રવાદી નહીં પણ જ્ઞાાતિવાદી બનો, સામાજીક એકતા નહીં સાધો તો ચૌધરી સમાજને નુકસાન ભોગવવાનો વારો આવશે અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીમાં આપણે એક નહીં થાય તો એક પણ સીટ નહીં લાવી શકીએ.

દિયોદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઇ ભૂરીયાએ ખેંગારપુરા ગામે  વધુમાં જણાવ્યુ કે,  એક જ સમાજના પરથીભાઇ ભટોળ અને વિપુલભાઈ ચૌધરી  એક સમાજના હોવા છતાં સામાજિક એકતા ના સાધી શકતા ફેડરેશન ખોયું છે.  સામાજિક એકતા નહીં થાય તો આંજણા પટેલ સમાજને ભોગવવાનો વારો આવશે. તેઓએ કેશાજી ઠાકોર પર નિશાન સાધતા કહ્યું હતું કે , કેશાજી ઠાકોરે લોકસભા ૨૦૨૪ ની ચૂંટણીમાં ભાજપને વોટ આપવાનું કહ્યું હતું. પરંતુ તેમણે  લોકસભાની ચૂંટણીમાં એક પણ વખત ભાજપના રેખાબહેન ચૌધરીનું  નામ લીધું ના હતું. તો પણ ભાજપે કેશાજી ને શું બગાડયું ? લોકસભા ચૂંટણીમાં રબારી સમાજ પણ, કોંગ્રેસ સાથે રહ્યો, તો પણ રબારી સમાજનુ શું બગાડી શક્યા ? લોકો મને કોમવાદી કહે છે.તેઓને સવાલ પૂછું છું કે  રૂપાલા મુદ્દે તમામ જાગીરદારો એક થયા. આ એકતાને તમે શું કહેશો ?  શું આ કોમવાદ નથી  ?  જો એક નહી થાઓ તો ખોવાઈ જશો. 

જેમાં વિધાનસભાના અધ્યક્ષ, બનાસકાંઠાના પૂર્વ સાંસદ, ધાનેરાના ધારાસભ્ય તેમજ દિયોદરના કોંગ્રેસ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા. અખિલ ભારતીય ઠાકોર સેનાના અધ્યક્ષ નવઘણજી ઠાકોરે શીવાભાઈ ભુરિયાના નિવેદન સામે જણાવ્યું હતું કે આ ઠાકોર સમાજે તમને ૨૦૧૭ ની ચૂંટણીમાં દિયોદરમાં ખોબલે ખોબલે વોટ આપી વિજેતા બનાવ્યા હતા. ઠાકોર સમાજ દરેક સમાજના લોકોને સાથે રાખી ચાલે છે. તેમનું કટ્ટર કોમવાદી ભાષાનું નિવેદનને મે જોયું સાંભળ્યું છે. આ નિવેદન આઘાતજનક છે.