આગાહી@ગુજરાત: આગામી છ દિવસ ફરી વળશે મેઘરાજા, અમદાવાદથી લઈને સૌરાષ્ટ્ર સુધી છુટાછવાયો વરસાદ થશે

 
વરસાદ
તાપી અને ડાંગ જિલ્લામાં હળવો વરસાદ થઇ શકે છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં રવિવારે રાજ્યનો વિવિધ ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગે છ દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, આજે વડોદરા, ભરૂચ, નર્મદા,  સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં હળવો વરસાદ વરસી શકે છે. હવામાન  વિભાગની આગાહી અનુસાર, આજે ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, પંચમહાલ અને દાહોદમાં હળવો વરસાદ થઇ શકે છે.

જ્યારે વડોદરા, સુરત, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, ભરૂચ, નવસારી અને તાપીમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 11મી જૂને ગીર સોમનાથ, ભાવનગર, પંચમહાલ, વલસાડ, દાહોદ, અમરેલી, છોટા ઉદેપુર, નવસારી, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં હળવો વરસાદ થઇ શકે છે.12મી અને 13 જૂન સુરત, ભાવનગર, તાપી, અમરેલી, ડાંગ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત 14મી,15મી અને 16મી જૂનના રોજ નવસારી, અમરેલી, વલસાડ, ગીર સોમનાથ, ડાંગ જૂનાગઢ અને તાપીમાં વરસાદ થઇ શકે છે.

રવિવારે રાજ્યનો વિવિધ ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ, ભરૂચ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન તવરા નજીક ભારે પવન કારણે રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં એક કાર અને રીક્ષા દબાઈ ગઈ હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા.