આગાહી@ગુજરાત: 20 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો વધુ

 
વરસાદ

3 કલાક ભારે વરસાદ અને તોફાની પવનની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ચોમાસાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે અત્યંત મહત્વનું નાવકાસ્ટ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધીના સમયગાળા માટે જાહેર કરાયેલી આ આગાહી મુજબ રાજ્યના 20 જેટલા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગામી ૩ કલાક ભારે ઉથલપાથલ ભરેલા રહી શકે છે.

આ વિસ્તારોમાં ભારે વરસાદની સાથે-સાથે આકાશમાં ગાજવીજ અને 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ અને જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ અને કચ્છ જિલ્લામાં મધ્યમ વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે.

આ ભારે વરસાદ અને તોફાની પવનને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે. ભારે પવનને લીધે વૃક્ષો ધરાશાયી થવાની તેમજ ટ્રાફિકજામ અને વીજળી પડવાના બનાવો બનવાની પૂરી શક્યતા છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ખરાબ હવામાન દરમિયાન ઘરની અંદર જ રહેવા, ખુલ્લા ખેતરો કે જળાશયોથી દૂર રહેવા અને ખાસ કરીને વૃક્ષો નીચે આશરો ન લેવાની કડક સલાહ આપવામાં આવી છે.