આગાહી@ગુજરાત: રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો, ગરમીમાં શેકાવા રહેજો તૈયાર

 
આગાહી

માર્ચ મહિનાના અંતમાં પારો 40 ડિગ્રી સુધી પહોંચવાનું અનુમાન છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

માર્ચ મહિનાની શરૂઆતમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને લઈ ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. જોકે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસર પૂરી થતાં રાજ્યમાં ફરી ગરમીનો પારો ઉંચકાવા લાગ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે માર્ચ મહિનાના અંત સુધી ગરમીનો પારો આસમાને પહોંચશે. માર્ચ મહિનાના અંતમાં પારો 40 ડિગ્રી સુધી પહોંચવાનું અનુમાન છે.પવનની દિશા ઉત્તર પૂર્વ ઉત્તર ગુજરાતમાં છે. દક્ષિણ ગુજરાતમાં પૂર્વ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે, તેથી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે,માર્ચ અને એપ્રિલમાં પવન ફૂંકાશે, પવનની ગતિના સપાટા વધુ રહેશે. આ વખતે મે મહિનામાં અરબ દેશમાંથી ઉડતી રજકણોના કારણે આંધીનુ પ્રમાણ વધુ રહેશે. કાળી આંધી કહેવામાં આવે તેની શરુઆત પશ્ચિમ પાકિસ્તાનના ભાગમા થઇને કચ્છના ભાગમાં થઇ દેશના ભાગોમા આ આંધી સક્રિય થઇ જશે. આ આંધી અને વંટોળનુ પ્રમાણ મોટા ભાગના આ વર્ષમાં જણાશે.

માર્ચથી એપ્રિલ મહિનામાં આંધી વંટોળ, પવનના તોફાનો, વીજળીના ચમકારા, બરફ વર્ષા દેશના ઉત્તરિય પર્વતિય વિસ્તારમાં વધુ રહેશે. મે જૂન મહિનામાં પવનના તોફાનો આંધી વધુ રહેશે. આ આંધીમાં પવન વૈશાખ મહિનાના આંચકાના પવન સાથે એકધારો ફૂંકાશે.