આગાહી@ગુજરાત: 211 તાલુકામાં 6 ઈંચ સુધી વરસાદ, 25 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે

 
Varsad
વાપીમાં સૌથી વધુ 5.5 ઈંચ વરસાદ પડ્યો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનને ત્રીજા અઠવાડિયે ચોમાસું જામ્યું છે. રવિવારે 211 તાલુકામાં 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સુરતના પલસાણામાં સૌથી વધુ 6 ઈંચ, બારડોલી, કામરેજમાં પાંચ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ હતો. હવામાન વિભાગ દ્વારા આજે 25 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે  દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, બોટાદમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, દીવમાં ભારે વરસાદ પડી શકે છે.

મેઘરાજાએ 6 ઈંચ સુધીની આક્રમક બેટિંગ કરતા જળબંબાકારની સ્થિતિ ઊભી થતા જનજીવનને અસર પહોંચી હતી. બીજી તરફ ખેતીલાયક વરસાદને કારણે ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત બન્યા છે. સુરતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી ઊભી થવા સાથે 39 સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા. નવસારી જિલ્લામાં બે મકાન તૂટી પડવાની ઘટના બની હતી.વલસાડ જિલ્લામાં 24 કલાકમાં સરેરાશ 3.7 ઈંચ વરસાદ પડ્યો હતો. વાપીમાં સૌથી વધુ 5.5 ઈંચ વરસાદ પડ્યો હતો. ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે બપોર બાદ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ મનમૂકીને મહેર કરી હોય તે પ્રકારે વરસાદ પડયો હતો. છેલ્લા 24 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબકી ચુક્યો છે.