આગાહી@ગુજરાત: 12થી 16 તારીખ દરમિયાન વાતાવરણમાં આવશે પલટો, ગાજવીજ સાથે થશે વરસાદ

 
વરસાદ

આરબ કન્ટ્રીમાંથી આવતા પવનો છેક ઉત્તર ભારતના કેટલાક ભાગ સુધી ફેલાઈ શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને લીધે ગુજરાત રાજ્યમાં આગામી 12થી 16 તારીખે મધ્ય ગુજરાતમાં ગાજ-વીજ અને આંધી-વંટળ સાથે વરસાદ થવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તો આગામી 14-15 મેના આંધી-વંટોળ સાથે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. માવઠા બાદ અમદાવાદમાં ગરમીનું જોર વધે અને 18 મે બાદ તાપમાન 49ને પાર જાય તેવી સંભાવના છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, "આગામી દિવસોમાં પ્રિમોનસૂન એક્ટિવિટ શરૂ થશે. જેને લીધે ઘણાં વિસ્તારમાં ગાજ-વીજ અને આંધી-વંટોળ સાથે વરસાદ પડશે. આરબ કન્ટ્રીમાંથી આવતા પવનો છેક ઉત્તર ભારતના કેટલાક ભાગ સુધી ફેલાઈ શકે છે. આગામી તારીખ 12થી 16માં મધ્ય ગુજરાતમાં ગાજ-વીજ અને આંધી-વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રા હવામાનમાં પલટો આવવાની સાથે વરસાદ થવાની સંભાવના છે."