આગાહી@ગુજરાત: ગરમીએ તોડ્યો રેકોર્ડ, હવામાન વિભાગે 2 દિવસનું આપ્યું યલો એલર્ટ
આણંદમાં બે દિવસ રાત્રી દરમિયાન ગરમીમાં વધારો થયો છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે.ત્યારે હવામાન વિભાગે 2 દિવસનું યલો અલર્ટ આપ્યું છે. 8 શહેરનું લઘુતમ તાપમાન 25 ડિગ્રીને પાર જતાં રાત્રે ગરમી વધી છે. અમદવાદમાં રાતનું તાપમાન 26.2 ડિગ્રી, સામાન્ય કરતાં 4.3 ડિગ્રી વધુ છે.ભાવનગરનું 26.8 અને સુરેન્દ્રનગરનું લઘુતમ તાપમાન 25.6 ડિગ્રી નોંધાયું છે. ત્યારે રાજકોટ 39.8 ડિગ્રી, સુરેન્દ્રનગર 40.0 ડિગ્રી, મહુવા 37.8 ડિગ્રી, ભુજ 39.2 ડિગ્રી, કંડલા 38.5 ડિગ્રી તેમજ કેશોદ 38.9 ડિગ્રી તાપમાન રહ્યું છે.
અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરમાં બુધવારની સરખામણીએ આજે મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો જણાયો છે, પરંતુ રાતની ગરમી યથાવત્ જોવા મળી છે. અમદાવાદ સહિત રાજ્યનાં કુલ 8 શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 25 ડિગ્રીને પાર પહોચતાં રાત્રે ઉકળાટ અને બફારો વર્તાઈ રહ્યો છે.અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો લઘુતમ તાપમાન 26.2 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતાં 4.3 ડિગ્રી વધુ નોંધાયું છે. બીજી તરફ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને મધ્ય ગુજરાતના આણંદમાં બે દિવસ રાત્રી દરમિયાન ગરમીમાં વધારો થશે.
હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરાયેલ ગરમીના આંકડા મુજબ 24 કલાકમાં દિવસના તાપમાનમાં એકથી દોઢ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. ત્રણ શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું હતું. જેમાં સૌથી વધુ અમરેલીનું 40.8 ડિગ્રી જ્યારે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સિવાય 8 શહેરનું લઘુતમ તાપમાન 25 ડિગ્રીથી વધુ રહેતા રાત્રે ગરમીનો પ્રકોપ વધ્યો છે.