આગાહી@ગુજરાત: કાળઝાળ ગરમીથી આંશિક રાહત, પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થઈ શકે

 
ગરમી
રાજ્યના મોટાભાગના શહેરોનુ તાપમાન 40 ડિગ્રીથી નીચે જશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન વિભાગની આગાહી મુજબ દેશના પૂર્વ ભાગો પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ અને ગુજરાતમાં આગામી 3થી 4 દિવસ હિટવેવની સ્થિતિ યથાવત રહેશે. રાજ્યમાં કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળી શકે છે. પવનની દિશા બદલાતા ગરમીની રાહત મળવાની સંભાવના છે.આઈએમડી મુજબ રાજ્યમાં તીવ્ર ગરમીનો ત્રાસ યથાવત છે.છેલ્લા 24 કલાકમાં અમદાવાદ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી, રાજકોટ, ભાવનગરમાં 41 ડિગ્રી, વડોદરા, વલ્લભ વિદ્યાનગરમાં 41 ડિગ્રી, ગાંધીનગર, ડીસામાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.

આઈએમડીની આગાહી મુજબ પશ્ચિમી પવનોના કારણે વાતાવરણમાં ભેજ રહેશે અને તાપમાનનો પારો સ્થિર રહેશે. રાજ્યના મોટાભાગના શહેરોનુ તાપમાન 40 ડિગ્રીથી નીચે જશે. વરસાદની સંભાવના નહિવત છે. ગરમીથી આંશિક રાહત મળી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા પવનો અને ગરમીના લીધે અકળામણ અનુભવાશે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનુ આગાહી મુજબ 27 એપ્રિલથી ગરમી વધશે અને પારો 43 ડિગ્રીને પાર જઈ શકે છે. વળી, 10થી 12 મે દરમિયાન પ્રી-મોનસુન એક્ટિવિટીની સંભાવના છે.