છેતરપિંડી@અમદાવાદ: ભાજપ નેતા સામે 150 લોકોએ લગાવ્યો આરોપ, ગાડીઓ ભાડે લેવાના બહાને કરોડો રૂપિયાનું કૌભાંડ

 
કૌભાંડ

ગાડીઓ ભાડે લઈને માથાભારે લોકોને ગીરવે આપી દીધી હોવાનો આરોપ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ શહેરમાં ચૂંટણીના બહાને પ્રચાર અને મતદાનને લઈને ગાડીઓ ભાડે લેવાના બહાને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાનો કિસ્સો સામે આવ્યો છે.અમદાવાદના ઓઢવ, વસ્ત્રાલ, શાહીબાગ, માધવપુરા અને અસારવા 150થી વધુ લોકો સાથે છેતરપીંડી આચરવામાં આવી છે.લોકસભા ચૂંટણીના સમયગાળા દરમ્યાન ચૂંટણીનું કારણ આગળ ધરીને BJPના બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ કનુભાઈ મિસ્ત્રી અને તેના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીએ ગાડીઓ ભાડે લેવાની વાત કરી હતી.જેથી ગાડીના ભાડાની આવકને લઈને લોકોએ પોતાની ગાડીઓ રૂ 3 હજારથી લઈને 45 હજાર સુધીના ભાડે પ્રિન્સને આપી હતી.

શરૂઆતમાં ગાડીનું એક ભાડું ચૂકવ્યા બાદ છેલ્લા 3 માસથી ભાડું નહિ ચૂકવતા ગાડીના માલિકોએ પિતા પુત્રના ત્યાં તપાસ કરતા ગાડીને ગીરવે રાખવાનું કૌભાંડ સામે આવ્યું.જેથી ગાડીઓના માલિકે શાહીબાગ, મેઘાણીનગર અને માધવપુરામાં અરજી કરી છેભોગ બનનારે આક્ષેપ કર્યો છે કે પ્રિન્સ મિસ્ત્રીએ ભાડે ગાડીઓ લઈને માથાભારે લોકોને ગીરવે આપી દીધી છે. ગીરવે આપેલી 50 જેટલી ગાડીઓનું લિસ્ટ પણ આપવામાં આવ્યું છે એટલું જ પ્રીન્સ VHPનો કાર્યકર્તા છે.જ્યારે તેના પિતા કનું મિસ્ત્રી BJPમાં બક્ષીપંચ મોરચાનો અધ્યક્ષનો હોદ્દો ધરાવે છે.જેથી રાજકીય દબાણના કારણે પોલીસે માત્ર અરજી લીધી છે અને ફરિયાદ લેવાનો ઇન્કાર કરતી હોવાનો આક્ષેપ કરાયો છે.

લોકોનું કહેવું છે કે તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશ્નર જી એસ મલિકને રજુઆત કરી હતી તેમ છતાં તેમની સમસ્યા ઠેરની ઠેર છે. તેમની દલીલ છે કે પરિવાર નું ગુજરાન ગાડીની આવકથી ચાલતું હતું. પરંતુ ઠગ પિતા પુત્રના કારણે આવકનું સાધન છીનવાઇ ગયું છે.અને તેમને દર-દરની ઠોકર ખાવી પડી રહી છે.પોલીસ સ્ટેશનમાં થયેલી અરજી મામલે પોલીસે આક્ષેપોને લઈને તપાસ શરૂ કરી છે.