છેતરપિંડી@અમદાવાદ: આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવણીનો ડર બતાવી નિવૃત શિક્ષિકા સાથે 33 લાખની ઠગાઈ

 
અમદાવાદ

'તમારા પતિનું આધારકાર્ડ આતંકવાદીના ફાર્મ હાઉસમાંથી મળ્યું છે'

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં રહેતા એક નિવૃત્ત શિક્ષિકાને આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવણીનો ડર બતાવી સાયબર ઠગોએ રૂ.33 લાખ પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે. ભોગ બનનાર વૃદ્ધાને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં સામે પક્ષેથી વ્યક્તિએ પોતાની ઓળખ તપાસ એજન્સીના અધિકારી તરીકે આપી હતી. ઠગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, "એક આતંકવાદીના ફાર્મ હાઉસ પર દરોડા દરમિયાન તમારા પતિનું આધારકાર્ડ મળી આવ્યું છે. આ વાત સાંભળીને વૃદ્ધા હેબતાઈ ગયા હતા.

વૃદ્ધાને વિશ્વાસમાં લેવા માટે તે લોકોએ વોટ્સએપ પર ખોટા એરેસ્ટ ઓર્ડર સહિતના દસ્તાવેજો મોકલ્યા હતા. બાદમાં ડિજિટલ એરેસ્ટ કરી ઠગોએ વૃદ્ધા પાસે તપાસના બહાને અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ.33 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. લાખો રૂપિયા ગુમાવ્યા બાદ જ્યારે વૃદ્ધાને શંકા ગઈ અને પરિવાર સાથે વાત કરી, ત્યારે ખબર પડી કે તેઓ સાયબર ઠગાઈનો શિકાર બન્યા છે.