છેતરપિંડી@અમદાવાદ: વોટ્સએપ પર આવેલી ડિજિટલ કંકોત્રી ખોલતા જ વૃદ્ધે રૂ.15.45 લાખ ગુમાવ્યા

 
ઠગાઈ
વેડિંગ ઇન્વિટેશન એટલે કે ડિજિટલ કંકોત્રીના નામે છેતરપિંડી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના મણિનગરના વૃદ્ધ સાયબર ઠગોનો શિકાર બન્યા છે. પરિચિતના વોટ્સએપ નંબર પરથી આવેલી એક લિંક (APK ફાઇલ) ડાઉનલોડ કરવા માત્રથી વૃદ્ધના બેન્ક ખાતામાંથી 15.45 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા છે. આ ઘટના સંદર્ભે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.સાયબર ગઠિયાઓ લોકોને જાળમાં ફસાવવા અવનવા કીમિયા અપનાવી રહ્યા છે. અગાઉ RTO મેમો કે ગેસ બિલના નામે બોગસ લિંક તથા APK ફાઇલો મોકલીને ઠગાઈ કરવામાં આવતી હતી, જ્યારે હવે વેડિંગ ઇન્વિટેશન એટલે કે ડિજિટલ કંકોત્રીના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે.

અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા 64 વર્ષીય વૃદ્ધના વોટ્સએપ પર એક પરિચિત વ્યક્તિના નંબર પરથી લગ્નની કંકોત્રીના નામે APK ફાઇલ આવી હતી. વૃદ્ધે આ ફાઇલ ડાઉનલોડ કરીને ક્લિક કરી હતી, પરંતુ શંકા જતાં તરત જ બંધ કરી દીધી હતી. ત્યાં સુધીમાં મોબાઈલમાં વાઇરસ ઇન્સ્ટોલ થઈ ચૂક્યો હતો અને ઠગોએ મોબાઈલનું એક્સેસ મેળવી લીધું હતું. વૃદ્ધના મોબાઈલ પર અચાનક અનેક OTP આવવા લાગ્યા હતા. આથી શંકા જતાં તેમણે પત્નીને બેન્કમાં જઈ પાસબુકમાં એન્ટ્રી કરાવવા જણાવ્યું હતું. બેન્કમાં હડતાળ હોવાના કારણે સળંગ બે દિવસ સુધી પાસબુકમાં પ્રિન્ટ થઈ શકી નહોતી. હડતાળ પૂરી થયા બાદ પાસબુકની એન્ટ્રી કરાવતા સામે આવ્યું હતું કે, સાયબર ગઠિયાઓએ 26 જેટલા અલગ-અલગ UPI ટ્રાન્ઝેક્શન મારફતે 15.45 લાખ રૂપિયા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધા છે.પીડિત વૃદ્ધે કંકોત્રી મોકલનાર પરિચિત વ્યક્તિનો સંપર્ક કરતા માલૂમ પડ્યું હતું કે, તે પરિચિતનો ફોન અગાઉથી હેક થઈ ગયો હતો અને હેકર્સે તેમના તમામ સંપર્કોને આવી વાઇરસયુક્ત APK ફાઇલ મોકલીને શિકાર બનાવ્યા હતા. બનાવ અંગે વૃદ્ધે સાયબર ક્રાઇમ પોલીસ મથકે અજાણ્યા ગઠિયાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.