છેતરપિંડી@અમદાવાદ: ગ્રાહકો સાથે કરોડોનું ફુલેકુ ફેરવી જ્વેલર્સનો માલિક રાતોરાત ફરાર

 
ઠગાઈ
આશરે 5થી 6 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલી જાણીતી 'કોમલ જ્વેલર્સ'નો માલિક ગ્રાહકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરીને રાતોરાત ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. મૂળ નાના ચિલોડાના રહવાસી અને જ્વેલર્સના માલિક ઉમેશ ચેલાણીએ પોતાના નિયમિત ગ્રાહકોનો વિશ્વાસ જીતીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે સરદારનગર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.આરોપી ઉમેશ ચેલાણીએ છેલ્લા ઘણાં સમયથી પોતાના ગ્રાહકોને બજાર ભાવ કરતા અતિ સસ્તા દરે સોના-ચાંદીના દાગીના અને સોનાના બિસ્કીટ અપાવવાનું વચન આપ્યું હતું.

અનેક લોકોએ તેની પાસે પોતાના સોનાના દાગીના ગીરવે મૂકીને લોન પણ મેળવી હતી. લોકો પાસેથી એડવાન્સ રકમ તેમજ દાગીના મેળવ્યા બાદ વેપારીએ અચાનક પોતાની દુકાન બંધ કરી દીધી હતી.છેલ્લા કેટલાક દિવસોથી દુકાન સતત બંધ રહેતાં અને ઉમેશ ચેલાણીનો મોબાઈલ નંબર પણ સ્વીચ ઓફ આવતાં ગ્રાહકોને શંકા ગઈ હતી. જેથી ગ્રાહકોએ તેના નાના ચિલોડા ખાતે આવેલા નિવાસસ્થાને પહોંચીને તપાસ કરી હતી, પરંતુ ત્યાં પણ તે મળી આવ્યો નહોતો. આરોપી ઠગ જ્વેલર્સ ગ્રાહકો સાથે આશરે 5થી 6 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ આચરીને પલાયન થઈ ગયો છે. આ ઘટનાને પગલે ભોગ બનનાર ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.