છેતરપિંડી@અમદાવાદ: વર્ક ફ્રોમ હોમની લોભામણી ઓફર આપી યુવતી સાથે રૂ.12.27 લાખની ઠગાઈ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના સીટીએમ વિસ્તારમાં રહેતી અને બેન્કમાં એપ્રેન્ટીસ તરીકે ફરજ બજાવતી 23 વર્ષીય યુવતીને વર્ક ફ્રોમ હોમની લાલચ આપી બે ભેજાબાજોએ 12.27 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. અશોક ઉર્ફે જય વિરમગામા અને રાજન મહેતા નામના બે ઠગોએ યુવતી તથા તેના પરિવારના નામે પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ કઢાવી લાખો રૂપિયાની કિંમતના ઇલેક્ટ્રોનિક્સ સાધનો તેમજ નાણાં પોતાની પાસે ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ અંગે ભોગ બનનાર યુવતીએ પોલીસ મથકે બંને સામે ફરિયાદ નોંધાવી છે. નવેમ્બર 2024માં અશોક ઉર્ફે જય વિરમગામાએ નોકરી ડોટકોમ મારફતે યુવતીનો સંપર્ક કર્યો હતો. તેણે પોતાને સર્વોદય સહકારી મંડળીનો કર્મચારી ગણાવી ઘરબેઠા કોઈ પણ રોકાણ વગર કામ કરવાની ઓફર આપી હતી.
યુવતી અને તેના પરિવારને લાલચ આપી હતી કે સંસ્થા માટે પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ કે ઈએમઆઈ પર ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદવાથી તેને 10થી 30 ટકા કમિશન મળશે અને તમામ હપ્તા તેમની સંસ્થા જ ભરી દેશે.શરૂઆતમાં પરિવારનો વિશ્વાસ સંપાદિત કરવા માટે અશોકે યુવતીના પિતાના નામે એક મોબાઈલ ફાઈનાન્સ કરાવીને ખરીદ્યો હતો અને તેના હપ્તા તેમજ કમિશન સમયસર જમા કરાવ્યા હતા. ત્યારબાદ અશોક અને તેના સાથીદાર રાજન મહેતાએ આશરે દોઢ વર્ષ સુધી પરિવારના સભ્યોના નામે જુદી જુદી જગ્યાએથી મોબાઈલ અને એસી જેવી વસ્તુઓ લોન પર ખરીદાવી તેના હપ્તા પણ નિયમિત ભર્યા હતા.વિશ્વાસ કેળવાઈ ગયા બાદ અશોકે યુવતીની ફિક્સ ડિપોઝિટ તોડાવી બે અલગ-અલગ બેન્કમાં 50 હજાર રૂપિયા અને 60 હજાર રૂપિયાની નવી એફડી કરાવી તેમાંથી ક્રેડિટ કાર્ડ કઢાવ્યા હતા. ત્યારબાદ કાર્ડ અને પિન નંબર પોતાની પાસે રાખીને યુવતીની અજાણતામાં આખો વપરાશ કરી લીધો હતો. આ સિવાય યુવતીના માતા-પિતાના નામે પણ મોટી રકમની પર્સનલ લોન કરાવી રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી.
મે 2026થી આરોપીઓએ લોનના હપ્તા ભરવાના બંધ કરી દેતાં બેન્ક અને ફાઈનાન્સ કંપનીઓની રિકવરી ટીમો યુવતીના ઘરે પહોંચી હતી. યુવતીના પરિવારે નાણાં માંગતાં આરોપીઓએ સિક્યુરિટી પેટે 4 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો, પરંતુ જૂન 2026માં બંને પોતાના મોબાઈલ નંબર બંધ કરી ફરાર થઈ ગયા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે આ બંને શખસોએ ગુજરાતમાં અન્ય લોકો સાથે પણ આ જ મોડસ ઓપરેન્ડીથી કરોડોની છેતરપિંડી આચરી છે.

