ફ્રોડ@સીંગવડ: મનરેગાનું કૌભાંડ પૂર્વ આયોજિત ષડયંત્ર, તંત્ર કે પિડીત ગુનો નોંધાવી શકે તેવો કાંડ

 
ફ્રોડ
મનરેગા યોજના હેઠળ 3 ચેકડેમ બનાવી આપીશું કહીને કાગળો મેળવ્યા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

સીંગવડ તાલુકામાં મનરેગાના કૌભાંડનો ખુલાસો કરનાર અરજદાર સાથે બનેલી ઘટનાથી સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. પિડીત ખેડૂતો સાથે સરકારી યોજના મનરેગાના નામે રીતસર ફ્રોડ થયું હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ માત્ર મનરેગા કૌભાંડ નથી પરંતુ પૂર્વ આયોજિત ષડયંત્ર રચી સરકારી યોજના હેઠળ સરકારના પૈસાથી ખેડૂતોના નામે કરેલી નાણાંકીય લૂંટ છે. આ લૂંટથી ખેડૂતોના નામે રકમ ખર્ચાઈ ગઈ અને હકીકતમાં ચેકડેમના લાભ નહિ મળ્યા હોવાથી ફ્રોડ થયું હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે એસીબીના એક અધિકારીને પૂછતાં જણાવ્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ ફ્રોડ કહી શકાય એટલે સ્થાનિક પોલીસ મથકે ફરીયાદ આપી શકાય. જાણીએ સમગ્ર અહેવાલ.

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના ભૂતખેડી ગ્રામ પંચાયતના સાચકપુર ગામનાં કાકા ભત્રીજા એવા 3 ખેડૂતો સાથે છેતરપિંડીની ઘટના બની છે. આ છેતરપિંડી સરકારી યોજનાનો દૂરૂપયોગ કરી પૂર્વ આયોજિત ષડયંત્ર રચી બોગસ કાગળો આધારે નાણાં આપી/અપાવીને કરી છે. જેમાં ત્રણેય ખેડૂતોને સ્થાનિક આગેવાને વિશ્વાસમાં લઈ મનરેગા યોજના હેઠળ 3 ચેકડેમ બનાવી આપીશું કહીને કાગળો મેળવ્યા હતા. આ પછી આગેવાને, એજન્સીએ અને સીંગવડ તાલુકાના મનરેગા કર્મચારીઓએ ભેગા મળીને ત્રણેય ખેડૂતોના સર્વે નંબરમાં ચેકડેમ બનાવી દીધા હોવાનું ખોટું રેકર્ડ ઉભું કરી ગ્રામીણ વિકાસ વિભાગના મનરેગા પોર્ટલમાં બોગસ બીલો, બોગસ લેબર એન્ટ્રી ભરી હતી. આ બોગસ રેકર્ડ આધારે વડી કચેરીને, તંત્રને ગેરમાર્ગે દોરી લેબર ખર્ચ અને મટીરીયલની ગ્રાન્ટ મેળવી, આપી, અપાવી ખેડૂતોને 3 ચેકડેમનો લાભ ના આપી ફ્રોડ કર્યું હતુ. કેવીરીતે ગુનો દાખલ થાય તેવો કાંડ છે વાંચો નીચેના ફકરામાં.

સમગ્ર મામલે સરળ ભાષામાં જાણીએ તો 3 લાભાર્થીના નામે આગેવાને, એજન્સીએ અને મનરેગા કર્મચારીઓએ એકબીજાના મેળાપીપણામાં ચેકડેમના ખર્ચ સરકારમાંથી મેળવી ખેડૂતને આપવાને બદલે જાતે મેળવી લીધો છે. આથી અરજદાર ખેડૂતો પોતાના નામે કરવામાં આવેલ બનાવટી કામો બદલ છેતરપિંડીની ફરિયાદ આપી શકે છે. જ્યારે આ તરફ ટીડીઓ અથવા નિયામક સહિતનું તંત્ર પણ બોગસ રેકર્ડ ઓનલાઇન અપલોડ કરી જાણતાં હોવા છતાં ખોટી રીતે ગ્રાન્ટ મેળવી સરકારને ગેરમાર્ગે દોરવા બદલની ફરિયાદ નોંધાવી શકે છે અને મનરેગા એક્ટની જોગવાઈ મુજબ પણ ગુનો દાખલ કરાવી શકે છે. આ સમગ્ર ઘટના ખેડૂત પિડીતો સાથે બની હોવાનું સરદારભાઇએ જણાવ્યું હોઈ મનરેગા કૌભાંડ બદલ એસીબી પોલીસ મથકની પહેલાં સ્થાનિક પોલીસ સ્ટેશને પણ ફરિયાદ અરજી આપી શકે છે.