ફ્રોડ@સીંગવડ: મનરેગા દ્વારા સૌથી મોટી છેતરપિંડી, એજન્સી અને કરારીએ સરકારનું કરી નાખ્યું

 
સિંગવડ
કાર્યવાહી નહિ થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપી છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

સીંગવડ તાલુકામાં મનરેગા હેઠળ વિવિધ પ્રકારના કૌભાંડ અને ગેરરીતિની બૂમરાણ ગણી ગણાય નહિ તેવી હાલત ઉપર છે. જોકે આજનો આ રીપોર્ટ કૌભાંડ સાથે સાથે છેતરપિંડી અને સાયબર ફ્રોડને સંબંધિત હોવાનો ચકચારી ઈશારો કરે છે. એક જ ગામના 20 અરજદારોએ લેખિતમાં ફરીયાદ કરી છે કે, તેઓના નામે મનરેગા યોજનામાં વિવિધ કામો પાસ કરીને લાભાર્થીઓ બતાવી છેતરપિંડી આચરી છે. સ્થળ ઉપર કામો અને રોજગારી પણ મળી નથી છતાં એજન્સીઓ ચૂકવણું થયું તેમજ લેબર પેમેન્ટ પણ બારોબાર ઉપડી ગયું છે. લાભાર્થીઓ સાથે સરકારનું પણ કરી નાખ્યું હોય તેવી ગંભીર ફરીયાદ થઈ છતાં તંત્ર તપાસ કરી ગુનો નોંધાવતુ નથી એટલે કસૂરવારો પણ બેફામ ઘુમી રહ્યા છે. મનરેગા હેઠળ વિવિધ કૌભાંડ તમે વાંચ્યા, જોયા અને સાંભળ્યા હશે પરંતુ સીંગવડ તાલુકાના કાળીયારાઈ ગામનું આ પૂર્વ આયોજિત ષડયંત્રથી ભરેલું કૌભાંડ વાંચી ચોંકી જશો.

 સીંગવડ તાલુકામાં સૌથી મોટું સાયબર ક્રાઇમ મનરેગા હેઠળ

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના કાળીયારાઈ ગ્રામ પંચાયતના એકસાથે 20 નાગરિકોએ મનરેગા યોજના હેઠળ પોતાની સાથે ગંભીર પ્રકારની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ કરી છે. 24 ફેબ્રુઆરીના રોજ સીંગવડ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરીયાદ કરતાં સુરસિંગભાઈ ડામોર જણાવે છે કે, મનરેગા હેઠળ ગત નાણાંકીય વર્ષ દરમ્યાન સ્ટોનબંધો, ચેકડેમો અને કેટલસેડ સહિતના કામો સ્થળ ઉપર થયા જ નથી અને સરકારના ચોપડે થઈ ગયા છે. આ કામોમાં તેઓના નામે લેબર પેમેન્ટ પણ બારોબાર જમા ઉપાડ થયું તેમજ સ્થળ ઉપર કામ પણ નથી. આવી સ્થિતિમાં એજન્સીઓ, કરારીઓ, એજન્ટો અને મળતિયા સહિતનાએ પૂર્વ આયોજિત ષડયંત્રથી કૌભાંડ કર્યું હોવાનું પ્રતિત થાય છે. આટલું જ નહિ, આ 20 લોકોએ તાત્કાલિક અસરથી સંડોવાયેલા સામે તપાસ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવાની અને જો કાર્યવાહી નહિ થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપી છે. વાંચો નીચેના ફકરામાં છેતરપિંડી અને સાયબર ફ્રોડ કેવીરીતે થયું

 

સૂત્રોએ જણાવ્યું હતું કે, સીંગવડ તાલુકાના ગામોમાં ગત નાણાંકીય વર્ષ દરમ્યાન મોટાભાગના કામોમાં મટીરીયલ એજન્સી અર્પિત ટ્રેડર્સ છે ત્યારે આ ફરીયાદના અનેક વર્ક કોડમાં પણ અર્પિત એજન્સીના મટીરીયલ બીલો છે. આ એજન્સીઓએ સ્થળ ઉપર મટીરીયલ મોકલ્યું જ નથી તો કામ કેવીરીતે થાય એટલે બોગસ બીલો ઉભા કરી સરકારનું જ કરી નાખ્યું છે. આ બાજું લાભાર્થીઓને લેબર પેમેન્ટ મળ્યું નથી એટલે કોઈ ટોળકીએ ઈરાદાપૂર્વક સરકારના લેબર પેમેન્ટની રકમ આ લાભાર્થીઓના નામે બેંક ખાતામાં જમા કરાવી બારોબાર ઉપાડી સાયબર ક્રાઇમને અંજામ આપ્યો છે. જો આ ફરિયાદની ધોરણસરની તટસ્થ તપાસ થાય તો, મટીરીયલ એજન્સી, કરારીઓ, એજન્ટો અને બેંક કર્મચારીઓ સહિતના વિરુદ્ધ ગુનો દાખલ થાય તેવું કૌભાંડ અને ષડયંત્ર છે. હવે અહિં સવાલ થાય છે કે, લાભાર્થીઓ સાથે સરકારનું પણ કરી નાખ્યું છતાં ટીડીઓ તાત્કાલિક અસરથી તટસ્થ તપાસ કરી દાખલો કેમ બેસાડતાં નથી તેનો રીપોર્ટ પણ ટૂંક સમયમાં સમજીએ.