છેતરપિંડી@અમદાવાદ: ક્રેડિટ કાર્ડ આપવાના બહાને સાયબર ગઠિયાઓએ 2.79 લાખ પડાવી લીધા

 
ગુનો

ઈસનપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઇસનપુરમાં રહેતા એક યુવકે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ લેવા માટે એપ્લાય કરતા તેને અલગ અલગ બહાના હેઠળ કુલ 20 વખત નાની-મોટી રકમ ભરાવીને કુલ રૂ. 2.79 લાખની સાયબર ગઠિયાઓએ પડાવી લીધા છે. આ અંગે યુવકે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ઈસનપુરની શિવપાર્ક સોસાયટીમાં રહેતા અને ઈલેક્ટ્રિશિયનનું કામ કરતા સૌરભ રમેશભાઈ સથવારાએ ગત 6 ફેબ્રુઆરીએ ઈન્સ્ટાગ્રામમાં રિલ્સ જોતી વખતે ક્રેડિટ કાર્ડની રિલ્સ આવી હતી.તેને ક્રેડિટ કાર્ડની જરૂર હોવાથી રિલ્સમાં આપેલી લિન્ક પર ક્લિક કરીને નામ, આધારકાર્ડ નંબર, પાનકાર્ડ વગેરે વિગતો ભરી હતી. ત્યારબાદ સૌરભને વિશ્વાસમાં લઈને રૂ. 999 ભરીને ક્રેડિટ કાર્ડ મળી જશે તેમ કહીને વોટસઅપ પર એક QR મોકલ્યો હતો.

સૌરભે ઓનલાઈન ગુગલ પેથી રૂપિયા ભર્યા બાદ અજાણ્યા વ્યક્તિએ કહ્યું કે હમણાં તમારા નંબર પર મારા સાહેબનો ફોન આવશે. થોડા કલાકો પછી બેંગલુરુ ઈઝી પેમાંથી એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાંથી બોલું છું તેમ કહીને અન્ય એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને કાર્ડના ઈન્સ્યોરન્સ માટે રૂ. 2650 ભરવાના કહી બીજા રૂપિયા ભરાવ્યા હતા. ત્યારબાદ જીએસટીના 9 ટકા લેખે રૂપિયા ભરવા પડશે અને તે બાદમાં પરત મળી જશે તેમ કહીને રૂ.9900 ભરાવ્યા હતા.ત્યારબાદ કંપનીના પૈસા હાલમાં ઈશ્યૂ થતા ન હોવાથી પૂરા 18 ટકા જીએસટીના ભરવાનું કહેતા સૌરભે બીજા રૂપિયા ભર્યા હતા. આટલુ કર્યા બાદ ટીડીએસના 12 ટકા ભરવાનું અને તે બાદમાં રિફંડ મળી જશે તેમ કહેતા સૌરભ પાસેથી વધુ રૂ. 6600 ભરાવ્યા હતા.

ફરી 12 ટકા ભરવાનું કહેતા તેણે બીજા રૂ.6600 ભર્યા હતા. બીજા દિવસે ફરી અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને બેંગલુરુથી એકાઉન્ટ ડિપાર્ટમેન્ટના હેડ બોલતા હોવાનું કહીને ટીડીએસના પૈસા ટુકડે ટુકડે ભર્યા હોઈ એકસાથે ભરશો તો જ ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ થશે તેમ કહેતા સૌરભે ઈન્કાર કર્યો હતો. જોકે, તેમને બધા પૈસા પાછળથી રિફંડ મળશે તેવી વાતો કરી વિશ્વાસમાં લઈને ફરી સૌરભ પાસે રૂ. 13,200 ભરાવ્યા હતા. એક પછી એક એમ અલગ અલગ બહાના હેઠળ સાયબર ગઠિયાઓએ 20 વખત નાનીમોટી રકમનું ઓનલાઈન ટ્રાન્જેક્શન કરીને સૌરભ સથવારા પાસેથી કુલ રૂ. 2,79,819 સેરવીને બહાના બતાવીને ક્રેડિટ કાર્ડ કે રિફંડની રકમ નહીં મોકલી છેતરપિંડી આચરી હતી. જેથી ઈસનપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.