છેતરપિંડી@ભિલોડા: ATM કાર્ડ બદલી યુવક સાથે 40 હજારની કરી ઠગાઈ

 
એ ટી એમ કાર્ડ

ભોગ બનનારના પત્નીએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભિલોડામાં મદદ કરવાના બહાને બે ગઠિયા એક વ્યક્તિનો એટીએમ કાર્ડ બદલી નાંખી તેના ખાતામાંથી રૂ.40 હજાર ઉપાડી લીધા હતા. ભોગ બનનાર વ્યક્તિની પત્નીએ આ ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

માહિતી અનુસાર, હિંમતનગર પોલીટેકનિકમાં જી.આઈ.એસ.એફ્માં ફરજ બજાવતા અને ભિલોડા તાલુકાના કિશનગઢ ગામના તુલસીબેન કાંતિભાઈ ભગોરા નામના મહિલા કર્મી તેમના પતિ સાથે ભિલોડા બજારમાં ખરીદી કરવા ગયા હતા. રૂપિયાની જરૂર પડતા તેમના પતિને યુનિયન બેંક ઓફ્ ઇન્ડિયાના એ.ટી.એમ.માંથી રૂપિયા ઉપાડવા મોકલતા તેમના પતિ એ.ટી.એમમાં પહોંચી રૂપિયા ઉપાડવાની પ્રોસેસ કરતા હતા. તે દરમિયાન અજાણ્યા 2 ગઠિયાઓ એ.ટી.એમ રૂમમાં અમસતા પહોંચી ઈન્ટરનેટનો પ્રોબ્લેમ લાગે છે તેમ કહીં કાંતિભાઈને વાતોમાં ભોળવી રાખી એ.ટી.એમ કાર્ડ બદલી કરી જતા રહ્યા હતા.

રૂપિયા નહીં ઉપડતા કાંતિભાઈએ તેમના પત્નીને વાત કરી હતી. તેઓ ઘરે પરત આવતા જ તેમના એ.ટી.એમ. કાર્ડથી એચ.ડી.એફ્.સી બેંકમાંથી રૂપિયા ઉપડયા હોવાના ચાર મેસેજ આવતા 40 હજાર રૂપિયા ઉપડી જતા પતિ-પત્ની ચોંકી ગયા હતા.આ ઘટના અંગે ભોગ બનનારના પત્નીએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.