૮ એપ્રિલથી ગુજરાતમાં ૩થી ૮ ધોરણની પરીક્ષા લેવાશે
૮ એપ્રિલથી ગુજરાતમાં ૩થી ૮ ધોરણની પરીક્ષા લેવાશે

અટલ સમાચાર, અમદાવાદ

તારીખ ૮ એપ્રિલ 2019થી સમગ્ર ગુજરાત રાજ્યમાં ધો.૩થી ધો.૮ના તમામ વિષયોની એક સમાન રીતે પરીક્ષા એક સમાન સમયપત્રક સાથે લેવામાં આવશે. રાજય સરકાર દ્વારા આ સમગ્ર મામલે આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં બીજા સત્રની પરીક્ષાનું ઉત્તરવહીઓનું બાહ્ય મૂલ્યાંકન કરાવવાનો નિર્ણય કરાયો છે. પરીક્ષામાં જે તે શાળામાં દર પાંચ બ્લોક દીઠ અન્ય શાળાના એક શિક્ષકને નીરીક્ષક તરીકે નિયુકત કરવામાં આવશે.

રાજયભરમાં એકસાથે શરૂ થઇ રહેલી ધોરણ-૩થી ૮ની પરીક્ષાઓ અંગે રાજયના પ્રાથમિક શિક્ષણના નિયામકે જણાવ્યું હતું કે, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના બીજા સત્ર, વાર્ષિક પરીક્ષાના ધો.૩થી ધો.૮ના તમામ વિષયોના પ્રશ્નપત્ર જે તે જિલ્લાના શિક્ષણ અને તાલીમ ભવન મારફત વિતરિત કરાશે અને પ્રશ્નપત્રોનું પ્રિન્ટિંગ પણ જિલ્લા કક્ષાએ જ કરવાનું રહેશે. જીસીઇઆરટી દ્વારા જીવન શિક્ષણના સપ્ટેમ્બર-૨૦૧૮ના અંકમાં ધો.૩થી ધો.૮ના વિષયોની બ્લ્યુ પ્રિન્ટ આપવામાં આવી છે અને તેના આધારે પ્રશ્નપત્રો કાઢવામાં આવશે. એટલે કે જે તે શાળાના શિક્ષકને બદલે અન્ય શાળાના તે ધોરણ અને વિષય ભણાવતા શિક્ષકને લેખિત હૂકમ કરી મૂલ્યાંકનની કામગીરી સોંપવાની રહેશે.

ધો.૩ અને ધો.૪માં વિદ્યાર્થીઓએ ઉત્તર પ્રશ્નપત્રમાં જ લખવાના રહેશે. ધો.૫ થી ધો.૮ના વિદ્યાર્થીઓએ ઉત્તરો અલગ જવાબવહીમાં પેનથી લખવાના રહેશે. બીજા સત્રની લેવાનારી આ પરીક્ષાના પરિણામની ઓનલાઇન ડેટા એન્ટ્રી કરવાની રહેશે. તે માટેનો કાર્યક્રમ અને તેની વિગતવાર સૂચનાઓ અલગથી સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા આપવામાં આવશે. ઉત્તરવહીઓની ચકાસણી મૂલ્યાંકનકારે વધુમાં વધુ પાંચ દિવસમાં કરી જે તે શાળામાં પહોંચતી કરવાની રહેશે. આમ, પરીક્ષાઓને લઇ તંત્ર દ્વારા સમગ્ર તૈયારીઓ કરી લેવામાં આવી છે અને કેટલીક તૈયારીઓ અંતિમ તબક્કામાં છે.