ગંભીર@ગુજરાત: અવની સિડ્સના આ બિયારણની માન્યતા નહિ છતાં વેચાણનો દાવો, ખેતી નિયામક બધું જાણે
Jan 23, 2025, 15:03 IST

રજીસ્ટ્રેશનની નવી પધ્ધતિ છે ત્યારે નહિ નોંધાયેલ બિયારણની જાતનું વેચાણ થઈ શકે ? સૌથી મોટો સવાલ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ગુજરાતમાં ખેતીવાડીના બિયારણો બાબતે ખૂબ જાણીતી એવી અવની સિડ્સ મામલે અત્યાર સુધીની સૌથી મોટી ચકચાર સામે આવી છે. બાજરા પાકનુ બિયારણ કેટેગરી 444++ નું રજીસ્ટ્રેશન ઘણા સમયથી રદ્દ છતાં બેરોકટોક વેચાણ ચાલુ હોવાનો દાવો કર્યો છે. અમદાવાદના રહીશ એવા વિષ્ણુભાઈ પટેલે ખેતીવાડી વિભાગથી માંડીને છેક મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી છે કે, અવની બાજરા 444++ બિયારણની કેટેગરી વર્ષ 2021 માં રદ્દ થઇ છતાં વેચાણ કેમ તે ગંભીર સવાલ છે. આ બાબતે ખેતી નિયામક કચેરીના સુત્રો જણાવે છે કે, નવી રજીસ્ટ્રેશન પધ્ધતિ અમલમાં આવી છે ત્યારે હાલે રજીસ્ટ્રેશન પ્રક્રિયા હેઠળ છે. આ દલીલ સામે પણ અરજદારે ચોંકાવનારા આક્ષેપો અને સવાલો કર્યા છે. ખેડૂતોના હિત માટે સમગ્ર અહેવાલ સમજીએ.
અવની સિડ્સના હાઇબ્રિડ બાજરી 444++ બિયારણની જાતનું ખેતીવાડી વિભાગ એટલે કે સરકારની રજીસ્ટ્રેશન પધ્ધતિ હેઠળ જે તે વખતે માન્ય હતું. આ દરમ્યાન વિરમગામ, દેત્રોજ સહિતના સ્થળોએથી લીધેલ આ બાજરી 444++ ના નમૂનાઓ ફેલ આવ્યા હતા. આ પછી ડિસેમ્બર 2021 માં ખેતી નિયામકની કચેરી દ્વારા રજીસ્ટ્રેશન વિનંતી આધારે રદ્દ કરવામાં આવ્યું હતુ. જોકે આ પછી રાજ્ય સરકારે બિયારણોની નોંધણી પ્રથા બંધ કરી દીધી પરંતુ સતત 2 વર્ષ બંધ રહેલી નોંધણી ફરી શરુ થઇ છે. એટલે અવની સિડ્સ દ્રારા ફરી રજીસ્ટ્રેશન માટે અરજી થઈ હોઈ શકે છે. હવે આ મામલે સૌથી મોટા સવાલો ત્યારે થયા જ્યારે રદ્ અને વેચાણનો આક્ષેપ થયો. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, રજીસ્ટ્રેશન ડિસેમ્બર 2021-22 દરમ્યાન રદ્ થયું અને સરકારે નોંધણી પ્રથા પણ બંધ કરી હતી. આ સમય દરમ્યાન વેચાણ વ્યાજબી કે નહિ તે અલગ સવાલ છે પરંતુ નવી નોંધણી પ્રથા આવી ત્યારે અવની સિડ્સ બાજરા 444++ કેટેગરી રજીસ્ટ્રેશન નહિ ધરાવતી હોવા છતાં બેફામ વેચાણ થતું હોવાનો સનસનીખેજ આક્ષેપ થયો છે. આ આક્ષેપ કરનાર વિષ્ણુભાઈ પટેલ નામના અરજદારે જણાવ્યું કે, આ બિયારણની જાતના નમૂના અગાઉ અનેકવાર ફેલ આવેલા છે અને નાણાંકીય વર્ષ 2024-25 દરમ્યાન રજીસ્ટ્રેશન નહિ હોવા છતાં જૂના નામ સાથે ગુજરાત અને નજીકના રાજ્યોમાં બેરોકટોક વેચાણ ચાલે છે. આ બાબતે ખેતી નિયામક કચેરીના વરમોરાએ ચાલાકીથી આખો કેસ ક્વોલિટી કંટ્રોલ હેઠળ ગણાવી બચાવ લીધો હતો. નિયામક સોલંકીએ જણાવ્યું કે, મારા ધ્યાનમાં આ વિષય આવેલો છે પરંતુ કાગળો મંગાવ્યા હોઈ જોઇ ચકાસી કહી શકુ.
ડેપોમાં અને વિક્રેતાઓ પાસે થોકબંધ જથ્થો, ખેડૂતોને કેમ કોઈ સંદેશો નહિ?
અવની સિડ્સના બાજરા 444++ કેટેગરીની જાતનો થોકબંધ જથ્થો ડેપો અને ગુજરાતભરના વિક્રેતાઓ પાસે ઉપલબ્ધ અને વેચાણ હેઠળ છે. હવે આ સમગ્ર મામલે તપાસ, સવાલો, શંકાઓ, આક્ષેપો ઉભા થતાં ખેતી નિયામક કેમ ખેડૂતોને કોઈ સંદેશો આપતાં નથી. આ બાબતે ખેતી નિયામકે જણાવ્યું કે, ખેડૂતો હોશિયાર છે પરંતુ આ બિયારણ ખરીદવું કે કેમ તેનો કોઈ ખેડૂત હિતમાં સંદેશો આપ્યો નથી અથવા ખરીદવું યોગ્ય છે તે પણ સ્પષ્ટતા કરતાં નથી.